આગામી સમયમાં વેકેશનનો માહોલ શરૂ થશે. દિવાળીની રજાઓમાં લોકો ફરવા માટે અનેક પ્રવાસન સ્થળો પર જતા હોય છે.ત્યારે વેકેશન પહેલા જ હવાઈ મુસાફરીનું આયોજન કરી રહેલા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.દિવાળી વેકેશન પહેલાં હવાઈ મુસાફરીનું આયોજન કરી રહેલા અમદાવાદીઓ માટે મુસાફરીનો ખર્ચ વધવાનો છે.વિમાનના ઈંધણ એટલે કે ATFના ભાવમાં સતત વધારાને પગલે ઈન્ડિગો એરલાઈન્સે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે નવા ફ્યુઅલ સરચાર્જ જાહેર કર્યા છે.
ટિકિટના બુકિંગમાં આ વધારાનો ચાર્જ લાગુ થઈ જશે
6 ઓક્ટોબરથી એટલે કે આજથી જ કરવામાં આવતી તમામ નવી ટિકિટના બુકિંગમાં આ વધારાનો ચાર્જ લાગુ થઈ જશે.અમદાવાદીઓએ હવે અમદાવાદથી ડોમેસ્ટિક મુસાફરીમાં અંતર પ્રમાણે સેક્ટર દીઠ વધારાના રૂ.100થી લઈને રૂ.350 વધારે ચૂકવવા પડશે.એક ઘરના ચાર સભ્યોનો પરિવાર દેશની અંદર લાંબા અંતરની મુસાફરી કરીને પરત આવે તો આવવા-જવાના બંને તરફના પ્રવાસ માટે માત્ર આ નવા ઈંધણ ચાર્જના કારણે જ મુસાફરી ખર્ચમાં મોટો વધારો ઝીંકાયો છે. આ વધારો એક તરફના એક સેક્ટર માટે લાગુ કરાયો છે.
400નો વધારાનો ફ્યુઅલ ચાર્જ ચૂકવવો પડશે
મુસાફર અમદાવાદથી જે શહેરમાં જાય અને ત્યાંથી પરત આવે ત્યારે બંને સેક્ટર પર સમાન સ્લેબ લાગુ પડતાં આ વધારાનો બોજ બમણો થઈ જશે.ઉદાહરણ તરીકે, જો એક તરફ રૂ.200નો વધારો હોય તો આવવા-જવાના બંને સેક્ટર મળીને મુસાફરે કુલ રૂ.400નો વધારાનો ફ્યુઅલ ચાર્જ ચૂકવવો પડશે.સૌથી લાંબા ડોમેસ્ટિક રૂટ માટે ફ્યુઅલ ચાર્જ રૂ.950થી વધારીને રૂ.1300 કરવામાં આવ્યો છે.એટલે કે 2000 કિ.મીથી વધુના સ્લેબમાં મુસાફરે એક તરફના રૂ.350 વધુ ચૂકવવા પડશે.
