ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T20I સીરિઝની શરૂઆત આજે લખનઉના એકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થશે.ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની ODI સીરિઝ 2-1થી જીતી હતી.હવે ટીમ ઈન્ડિયા એ જ જીતના આત્મવિશ્વાસ સાથે T20I શ્રેણીમાં ઉતરશે.ભારતીય ટીમ ઘરઆંગણે પ્રથમ મેચ જીતીને શ્રેણીની શરૂઆત કરવા માંગશે. જોકે વેસ્ટ ઈન્ડીઝને હળવાશથી લેવાની ભૂલ ટીમ ઈન્ડિયા માટે ભારે પડી શકે છે.T20 ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ODI શ્રેણીમાં મળેલી હાર બાદ મહેમાન ટીમ વધુ મજબૂત વાપસી કરવા માટે મેદાનમાં ઉતરશે.
લખનઉમાં આજે હવામાન કેવું રહેશે?
લખનઉમાં હવામાન સંપૂર્ણપણે સાફ રહેવાની શક્યતા નથી. હવામાનના અનુમાન પ્રમાણે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહી શકે છે.મેચ દરમિયાન વરસાદની આશરે 45% શક્યતા દર્શાવવામાં આવી છે. જો વરસાદ આવે તો મેચના આયોજનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઈકાના સ્ટેડિયમની આસપાસ પાણી ભરાવાની સ્થિતિને કારણે દર્શકોની અવરજવર પર પણ અસર પડી શકે છે.
વેસ્ટ ઈન્ડીઝ કરી શકે છે જોરદાર વાપસી
વેસ્ટ ઈન્ડીઝની ટીમ પાસે T20 ફોર્મેટમાં આક્રમક બેટિંગ અને અસરકારક ઓલરાઉન્ડર્સનો સારો સમન્વય છે.ODI શ્રેણીમાં ભારત સામે હાર્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગ્યો હશે,પરંતુ T20 ફોર્મેટમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે.મહેમાન ટીમ પોતાની ઓલરાઉન્ડ રમતના આધારે ભારતને પડકાર આપવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ભારતીય ટીમે પોતાની બેટિંગ સાથે બોલિંગમાં પણ સતત સારો દેખાવ કરવો પડશે.
IND vs WI હેડ ટુ હેડ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 2009થી અત્યાર સુધી કુલ 31 T20I મેચ રમાઈ છે. આમાંથી ભારતે 20 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 10 મેચમાં જીત મેળવી છે. 1 મેચનું પરિણામ આવ્યું નથી.બંને ટીમો વચ્ચે છેલ્લી T20I ટક્કર 2026ના T20 વર્લ્ડ કપમાં થઈ હતી. આ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 5 વિકેટે હરાવ્યું હતું. આ મુકાબલામાં સંજુ સેમસને યાદગાર બેટિંગ કરી હતી.આ આંકડા ભારતનું પલડું ભારે બતાવે છે, પરંતુ T20 ક્રિકેટમાં એક મેચનું પરિણામ માત્ર અગાઉના રેકોર્ડથી નક્કી થતું નથી.
એકાના સ્ટેડિયમની પિચ કેવી રહેશે?
લખનઉના એકાના સ્ટેડિયમની પિચ પર બેટ અને બોલ વચ્ચે સંતુલન જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંની પિચ ધીમી રહી છે અને સ્પિન બોલરોને મદદ મળી છે.નવી બોલથી ઝડપી બોલરોને શરૂઆતમાં ઉછાળ મળી શકે છે. જોકે મેચ આગળ વધતાં પિચ ધીમી થઈ શકે છે, જેના કારણે બેટર્સ માટે મોટા શોટ રમવાનું મુશ્કેલ બની શકે છે.આવી સ્થિતિમાં સ્પિન બોલરોની ભૂમિકા મહત્વની રહેશે. ખાસ કરીને બોલમાં વિવિધતા લાવતા બોલરો બેટર્સને પરેશાન કરી શકે છે. ટોસ જીતનાર ટીમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ કે બોલિંગનો નિર્ણય લઈ શકે છે.
ભારતનો સ્ક્વોડ:
શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન, તિલક વર્મા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને નમન ધીર.
વેસ્ટ ઈન્ડીઝનો સ્ક્વોડ:
શાઈ હોપ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, અકિલ હુસેન, આમિર જાંગુ, શમાર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરણ, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ અને શમાર સ્પ્રિંગર.
આ પણ વાંચો – IND vs WI 1st T20I : મેચ પહેલા મોટું સંકટ,એકાના સ્ટેડિયમ પાસે ગોમતી નદી ગાંડીતૂર, ક્રિકેટ રસિકોની ચિંતા વધી
