તાપીપુરા નજીક મનપાની કામગીરીની પોલ ખુલી:નવી ટાંકીના ફ્લશિંગ સમયે પાઈપલાઈન ફાટતાં મોટો ભૂવો પડ્યો, રસ્તા પર પાણી વહેતા રિપેરિંગ કામ શરૂ

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરના કોટ વિસ્તારમાં તાપીપુરા નજીક આઈ.પી. મિશન સ્કૂલ પાસે સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરાયેલી મુખ્ય પાણીની લાઈનની ફ્લશિંગ કામગીરી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અંદરથી લાઈન તૂટતાં માર્ગનો એક મોટો હિસ્સો બેસી ગયો હતો. પાઈપલાઈન તૂટતાંની સાથે જ પાણી બહાર ધસી આવ્યું હતું અને મુખ્ય માર્ગ પર નદીની માફક પાણી વહેવા લાગ્યું હતું. ફ્લશિંગની પ્રક્રિયા સમયે લાઈન તૂટતા જમીનનું ધોવાણ
કોટ વિસ્તારમાં લાંબા સમયથી પ્રવર્તતી ઓછા પ્રેશરથી પાણી મળવાની સમસ્યાનું નિરાકરણ લાવવા મનપા દ્વારા આઈ.પી. મિશન સ્કૂલની સામે નવી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. આ નવી ટાંકીમાંથી જળ વિતરણ વ્યવસ્થા કાર્યરત કરતાં પૂર્વે પાઈપલાઈનોને શુદ્ધ અને કાર્યક્ષમ બનાવવા માટે સફાઈ અર્થે ફ્લશિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે ચાલી રહેલી આ કામગીરી વેળા અચાનક અંદરથી લાઈન તૂટી પડતાં જમીનનું ધોવાણ થયું હતું અને ડામરનો રસ્તો ધસી પડ્યો હતો. રાતોરાત પાઈપલાઈન રિપેરિંગનું કામ શરૂ કરાયું
ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાની હાઈડ્રોલિક અને ઝોનલ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. તંત્રએ વાહનવ્યવહારની સલામતીને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે રસ્તાના ક્ષતિગ્રસ્ત ભાગની આસપાસ બેરિકેડિંગ કરી દીધું હતું, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. આ સાથે મુખ્ય વાલ્વ નિયંત્રિત કરી રસ્તા પર વહેતું પાણી તાકીદે બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રાતોરાત પાઈપલાઈન રિપેરિંગનું કામ શરૂ કરી દેવાયું હતું. પાણી પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી
ત્રણ-ચાર દિવસ પહેલા નજીકના વરિયાવી બજાર વિસ્તારમાં પણ ફ્લશિંગ દરમિયાન માર્ગ બેસી જવાની આવી જ ઘટના સામે આવી હતી. એક જ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ઘટનાને પગલે ભૂગર્ભ પાઈપલાઈનોની ગુણવત્તા, જાળવણી અને હાઈ-પ્રેશર ફ્લશિંગની ટેકનિકલ પદ્ધતિ અંગે ચોક્કસ તકેદારી રાખવાની જરૂરિયાત જણાઈ રહી છે. તંત્ર દ્વારા હાલ લાઈનનું સમારકામ પૂર્ણ કરી વિસ્તારમાં જળ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા કાર્યવાહી ચાલી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *