Vadodara News : ગુજરાત ભાડા વિધેયક બિલ સામે વકીલ મંડળનો હલ્લાબોલ, કોર્ટ પરિસરમાં બિલની હોળી કરી નોંધાવ્યો વિરોધ!

📅 Published: October 6, 2026 | 📂 Category: Baroda

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ગુજરાત ભાડા વિધેયક (રેન્ટ એક્ટ) બિલ સામે વડોદરા વકીલ મંડળે ભારે વિરોધ નોંધાવ્યો છે. વડોદરા બાર એસોસિએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટ પરિસરમાં એકઠા થઈને નવા ભાડા વિધેયક બિલની હોળી કરી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોએ આ નવા કાયદાને નાગરિકો અને ન્યાયિક પ્રક્રિયા માટે ‘કાળો કાયદો’ ગણાવી તેને તાત્કાલિક અસરથી પરત ખેંચવાની મજબૂત માંગ કરી છે.

અમલી બનાવવા અને અધિકારીઓની સત્તાઓ રદ કરવા માંગ

વકીલ મંડળે સ્પષ્ટ માંગણી કરી છે કે વર્ષ 1947નો જૂનો રેન્ટ એક્ટ પુનઃ અમલમાં મૂકવામાં આવે અને ભાડા સંબંધિત તમામ કેસોની સુનાવણી સિવિલ કોર્ટની પ્રક્રિયા હેઠળ યથાવત રાખવામાં આવે. નવા કાયદા હેઠળ સિવિલ કોર્ટના બદલે સરકારી અધિકારીઓને ન્યાયિક સત્તાઓ સોંપવામાં આવી છે, જે રદ કરવાની માંગ કરાઈ છે. વકીલોનો દાવો છે કે અધિકારીઓને આવી સત્તાઓ આપવાથી ન્યાયપ્રણાલી નબળી પડશે અને સામાન્ય નાગરિકોને ભારે અન્યાય થવાની ભીતિ છે.

“માત્ર હડતાળ નહીં, અસહકાર આંદોલન”

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળને ટેકો આપતાં વડોદરાના વકીલોએ ન્યાયિક કામગીરીથી અળગા રહીને વિરોધ દર્શાવ્યો છે. વકીલ મંડળના હોદ્દેદારોએ ન્યૂઝ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ માત્ર સાધારણ હડતાળ નથી પરંતુ સરકાર સામેનું અસહકાર આંદોલન છે.” હાલમાં આ મુદ્દે બાર કાઉન્સિલ અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ જો વકીલોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો : Aravalliના શામળાજીમાં ચોરોનો આતંક, પાલ્લા ગામમાં એક જ રાતમાં 5 મકાનમાં ઘરફોડ ચોરી, રૂ. 10 લાખથી વધુની મત્તા સાફ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *