અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પાલ્લા ગામમાં તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. મોડી રાત્રે ત્રાટકેલા ચાર જેટલા તસ્કરોએ એક જ રાતમાં પાંચ જેટલા મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીની સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીમાં તસ્કરોએ ખાસ કરીને એક એવા ઘરને નિશાન બનાવ્યું હતું જ્યાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. તે ઘરમાંથી જ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને અંદાજે રૂ.10 લાખથી વધુની મત્તા ચોરાઈ ગઈ છે.
તસ્કરોને પકડવા ગયેલા ગ્રામજન પર હુમલો
બનાવની વિગત મુજબ, ચાર ચોરોના ટોળાએ અન્ય મકાનોમાંથી પણ 1 બાઇક અને રૂ. 1 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી હતી. ચોરીની પ્રવૃત્તિ દરમિયાન ગામના એક જાગૃત નાગરિકની નજર પડતાં તેમણે હિંમત દાખવીને બે તસ્કરોને રંગેહાથ પકડી પાડ્યા હતા. જોકે, અંધારામાં છુપાયેલા અન્ય બે તસ્કરોએ અચાનક ધસી આવી પકડનાર ગ્રામજન પર હુમલો કરી દીધો હતો અને તેમને ઢોર માર માર્યો હતો. સાથીદારને છોડાવીને તમામ તસ્કરો અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.
શામળાજી પોલીસ પાસે કડક પેટ્રોલિંગની માગ
એક જ રાતમાં પાંચ ઘરોમાં ચોરી અને ગ્રામજન પર થયેલા હુમલાની ઘટનાથી પાલ્લા ગામ અને આસપાસના પંથકમાં ભારે ડર અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ શામળાજી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગામમાં ચોરી અને ધાડ જેવા બનાવો વધી રહ્યા હોવાથી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને શામળાજી પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કડક અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી ઉગ્ર માગણી કરી છે.
આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક માળખું ખોરવાયું, 13 વિવિધ સેલની નિમણૂંક છેલ્લા એક વર્ષથી અટવાઈ
