અમદાવાદ શહેરના પોશ ગણાતા મેમનગરમાં આવેલી જાણીતી અમદાવાદ ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલમાંથી એક અત્યંત શરમજનક મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના જ એક ડોક્ટર સામે દર્દી તરીકે આવેલી કોલેજની યુવતીએ મેડિકલ તપાસની આડમાં ગંભીર અને અશોભનીય કૃત્ય આચરવાના આક્ષેપો કર્યા છે.દર્દીની સંમતિ વગર અને નિયમો વિરુદ્ધ જઈને શારીરિક તપાસ કરવાના આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ડૉક્ટર સામે કાયદેસરનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે અને તેને જેલ હવાલે મોકલી આપ્યો છે.
અયોગ્ય રીતે શારીરિક તપાસ કરી હોવાનો આક્ષેપ
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી યુવતી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે.તેને પેટમાં અલ્સરની સમસ્યા તથા તકલીફ હોવાથી સારવાર માટે મેમનગર ખાતે આવેલી અમદાવાદ ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન હોસ્પિટલના તબીબ ડૉ.વ્રજ પટેલ દ્વારા દર્દીની સ્થિતિ તપાસવાના નામે ગંભીર ગેરરીતિ આચરવામાં આવી અને આરોપી ડૉક્ટર વ્રજ પટેલે દર્દીની પૂર્વ સંમતિ લીધા વિના અને મેડિકલ પ્રોટોકોલ વિરુદ્ધ જઈને બિનજરૂરી તથા અયોગ્ય રીતે શારીરિક તપાસ કરી હોવાનો આક્ષેપ કરાયો છે.
આરોપીને સઘન પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કર્યો
યુવતીના ગુપ્ત ભાગે અયોગ્ય રીતે અડપલાં કરીને બિનજરૂરી તપાસ કરવામાં આવી હોવાનો પણ દર્દીએ ગંભીર આક્ષેપ કર્યો છે.આ દુષ્કૃત્ય બે અલગ અલગ દિવસોમાં આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.આ ઘટનાથી પીડિત યુવતી અને તેના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ગંભીર મામલે પીડિતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ વસ્ત્રાપુર પોલીસે મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ત્વરિત ચક્રો ગતિમાન કર્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એસીપી એ.વી.પરમારે આ અંગે જણાવ્યું હતું કે,આરોપી ડૉક્ટર વ્રજ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે ગત 4 ઓક્ટોબરે જ આરોપી ડૉક્ટરની ધરપકડ કરી લીધી હતી અને તેને સઘન પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી આરોપીને સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Bhavnagar News: તળાજા હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
