સંસ્કારી નગરી વડોદરાના હૃદયસમા અને શહેરના એકમાત્ર મુખ્ય પ્રાકૃતિક સ્થાન એવા ઐતિહાસિક સયાજીબાગના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે સ્થાનિક નાગરિકો અને મોર્નિંગ વોકર્સ હવે મેદાને આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે કરવામાં આવી રહેલા કથિત વિનાશ અને અંધાધૂંધ કોંક્રિટીકરણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મોર્નિંગ વોકર્સ અને પર્યાવરણપ્રેમીઓ નવનિર્મિત સેવા સર્કલ પાસે એકઠા થયા હતા અને કમાટીબાગ બચાવો, વડોદરા બચાવોના નારા લગાવીને ઉગ્ર દેખાવો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન સયાજીબાગની ઐતિહાસિક ઓળખ અને પ્રાકૃતિક વારસાને બચાવવા માટેની એક મહત્વપૂર્ણ લડત બની ગયું છે. કોંક્રિટના કામો બંધ કરવાની માગ
આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોર્નિંગ વોકર્સે આરોપ લગાવ્યો હતો કે તંત્ર દ્વારા વિકાસના નામે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય દેન એવા સયાજીબાગનું અસ્તિત્વ જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. પર્યાવરણ અને બગીચાના કુદરતી સૌંદર્યને નુકસાન પહોંચાડતા બિનજરૂરી કોંક્રિટના કામો તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને બરોડા મ્યુઝિયમ અને વ્હાઇટ હાઉસ નજીક ચાલી રહેલા બાંધકામને તુરંત અટકાવવા માટે પ્રદર્શનકારીઓએ ભારપૂર્વક માંગ કરી હતી. આ ઉપરાંત, બગીચામાં ઊભા કરવામાં આવેલા બિનજરૂરી તથા કદરૂપા પ્લાસ્ટિકના માળખાં હટાવવા, બિનજરૂરી લોખંડની ગ્રીલ્સ દૂર કરવા અને જૂના તથા જર્જરિત શૌચાલયોને હટાવીને પરિસરને સ્વચ્છ અને ખુલ્લું બનાવવાની માંગણી પણ બુલંદ કરવામાં આવી હતી. વડોદરાના ઐતિહાસિક વારસાને બચાવો
રાજવી પરંપરા અને કુદરતી વારસાના જતન માટે કટિબદ્ધ નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બગીચાઓ વૃક્ષો અને હરિયાળીથી શોભે છે, નહીં કે કોંક્રિટ અને પ્લાસ્ટિકના અનિયંત્રિત બાંધકામોથી. જો વડોદરાના આ ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચાડવાનું બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
કમાટીબાગ બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન:સયાજીબાગના અસ્તિત્વ અને ઐતિહાસિક ઓળખને બચાવવા મોર્નિંગ વોકર્સ મેદાને, અંધાધૂંધ કોંક્રિટીકરણ સામે ભારે રોષ
📅 Published: October 6, 2026 |
📂 Category: gujarati-news
