અમદાવાદમાં રોડ પર વસવાટ કરતા શ્રમિક પરિવારો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં માત્ર 1 મહિનો અને 7 દિવસના માસૂમ બાળકના અપહરણની ફરિયાદ મળતાં શહેર પોલીસ દોડતી થઈ હતી. ન્યૂ રાણીપ વિસ્તારમાં રાત્રિના સમયે મજૂર દંપતી સાથે સૂતેલા બાળકનું અપહરણ થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત શોધી કાઢ્યું હતું.
સાબરમતીમાં બાળકના અપહરણથી પોલીસ દોડતી થઈ
બાળકના અપહરણની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમ, એલસીબી અને સાબરમતી પોલીસની ટીમો સહિત કુલ 10 ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા આસપાસના વિસ્તારોના આશરે 1300 સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત શહેરમાંથી બહાર જવાના સંભવિત માર્ગો અને જાહેર પરિવહનના સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આરોપીઓ બાળકને રસ્તા પર મૂકી ભાગ્યા
પોલીસના વ્યાપક ચેકિંગની જાણ આરોપીઓને થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, અપહરણ કરાયેલા બાળકને જાહેર પરિવહન મારફતે ઉત્તર પ્રદેશ લઈ જવું મુશ્કેલ જણાતાં આરોપીઓ બાળકને રસ્તા પર મૂકીને ભાગી ગયા હતા.
મહિલા સહિત 2 સગીરોને ઝડપી લેવાયા
જોકે, આરોપીઓ અમદાવાદ છોડે તે પહેલાં જ પોલીસે એક મહિલા આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીરોને ઝડપી લીધા હતા.
ઝેપ્ટોમાં નોકરી દરમિયાન મળ્યો હતો ‘ટાસ્ક’
પોલીસ તપાસ મુજબ મહિલા આરોપીની ઓળખ જીનલ ગોવિંદભાઈ પરમાર તરીકે થઈ છે. તે મૂળ વઢવાણ તાલુકાની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ જીનલ અને અન્ય આરોપીઓ ઝેપ્ટો ઓનલાઈન સર્વિસમાં નોકરી કરતા હતા.
તાજું જન્મેલું બાળક લાવી આપવાનું ટાસ્ક
તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશના ભુવનેશ્વર ઉર્ફે ભાનુ જાટવને કોઈ વ્યક્તિએ તાજું જન્મેલું બાળક લાવી આપવાનું ટાસ્ક આપ્યું હતું અને તેના બદલામાં મોટી રકમ આપવાની વાત કરવામાં આવી હતી.
બાળક માટે હોસ્પિટલોમાં તપાસ
પોલીસના જણાવ્યા મુજબ, બાળક મેળવવા માટે જીનલે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં પણ તપાસ કરી હતી. જોકે ત્યાંથી બાળક મેળવવું મુશ્કેલ જણાતા તેણે રોડ પર રહેતા શ્રમિક પરિવારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.
સૂતેલા બાળકનું અપહરણ
આરોપી દ્વારા રેકી કર્યા બાદ રાત્રિના સમયે શ્રમિક પરિવાર સાથે સૂતેલા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
UPથી ભાનુની પણ ધરપકડ, હવે માસ્ટરમાઇન્ડની શોધ
મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન ભાનુ વિશે માહિતી મળ્યા બાદ અમદાવાદ પોલીસે ઉત્તર પ્રદેશથી ભુવનેશ્વર ઉર્ફે ભાનુ જાટવની પણ ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસની ઉંડી તપાસ શરુ
હવે તપાસનો મુખ્ય સવાલ એ છે કે ભાનુને બાળક લાવવાનું ટાસ્ક કોણે આપ્યું હતું. આ ઉપરાંત અગાઉ પણ આ પ્રકારની બાળ તસ્કરી કરવામાં આવી હતી કે કેમ અને આ સમગ્ર કડીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ તપાસ કરી રહી છે.
બેરોજગારી બાદ શોર્ટકટમાં રૂપિયા કમાવાની લાલચ?
પોલીસના જણાવ્યા મુજબ જીનલ છેલ્લા આશરે 1 મહિનાથી બેરોજગાર હતી. ટૂંકા રસ્તે રૂપિયા કમાવાની લાલચમાં તેણે બાળકની તસ્કરી માટે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ આગળ વધતાં બાળ તસ્કરીના નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો
