ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નજુપુરા ગામની ભાગોળે વસેલા સાંબેલા ગામમાં ગઈકાલે સોમવારે મધરાતે ગામમાં આશરે 11 ફૂટ લાંબો વિશાળકાય મગર ઘૂસી જતા ગ્રામજનોમાં અફરાતરી મચી ગઈ હતી. અચાનક અણધાર્યો મહેમાન ગામમાં લટાર મારવા નીકળતા સ્થાનિકોના જીવ પડીકે બધાઈ ગયા હતા. જોકે વન વિભાગની ટીમે ભારે જહેમત પછી વિશાળકાળ મગરને પકડી લઈ રેસ્ક્યુ કરી લેવામાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. મગર લટાર મારતો નજરે પડતા સ્થાનિકોના શ્વાસ અધ્ધર થયા
સામાન્ય રીતે શાંત ગણાતા આ ગામમાં મધરાતે બે વાગ્યાના અરસામાં અચાનક એક અણધાર્યો મહેમાન આવી ચડ્યો હતો. ગામની સીમમાં આશરે 11 ફૂટ લાંબો એક મહાકાય મગર લટાર મારતો નજરે પડતા સ્થાનિક રહીશોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રાત્રિના સુમારે ગામના રસ્તાઓ પર આશરે અગિયાર ફૂટ લંબાઈ ધરાવતા આ ખતરનાક જળચર પ્રાણીને ખુલ્લામાં ફરતું જોઈને લોકોમાં ભય અને દહેશત ફેલાઈ ગઈ હતી. જોકે પરિસ્થિતિની ગંભીરતા જોતા પ્રમાણ પગામના સરપંચે તાત્કાલિક વન વિભાગના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મગરને રેસ્ક્યુ કર્યું
બહિયલ રેન્જ ફોરેસ્ટર ધર્મિષ્ઠાબેન વાળંદને આ અંગેની માહિતી મળતાં જ તેમણે તરત જ ઉચ્ચ અધિકારીઓને આ ઘટના અંગે વાકેફ કર્યા હતા. જેના પગલે દહેગામ રેન્જના આર.એફ.ઓ. મધુબેન ખાંટના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમ તેમજ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓની વિશેષ ટીમો ત્વરિત રાત્રિના જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાતના ગાઢ અંધકાર વચ્ચે આ મુશ્કેલ ઓપરેશન પાર પાડવું તંત્ર માટે મોટો પડકાર હતો.પરંતુ તમામ ટીમોએ ઉત્તમ સંકલન સાધીને મગરને રેસ્ક્યુ કરવા કવાયત શરૂ કરી હતી. ભારે જહેમત બાદ મહાકાય મગર આખરે કાબૂમાં
આ રોમાંચક રેસ્ક્યુ મિશનમાં દહેગામના જાણીતા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર ધીરજ માહેશ્વરી, ગાંધીનગરની વન સેતુ ફાઉન્ડેશનના અમિતભાઈ તથા તેમની ટીમ તેમજ ઈડરના રખોપું ફાઉન્ડેશનના મહેશભાઈ અને તેમની ટીમ ખડેપગે જોડાઈ હતી. આ તમામ અનુભવી નિષ્ણાતોએ સાહસ અને આગવી સૂઝબૂઝથી ભારે જહેમત બાદ અગિયાર ફૂટ લાંબા આ મહાકાય મગરને આખરે કાબૂમાં લઈ લીધો હતો. વાત્રક નદીના કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો
આ મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા બાદ સાંબેલા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.વન વિભાગ દ્વારા આ વન્યજીવને કોઈપણ પ્રકારની શારીરિક હાનિ કે ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે આજે મંગળવારે વાત્રક નદીના કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો હતો. વન વિભાગ, રેસ્ક્યુ ટીમો અને ગ્રામીણ વહીવટી તંત્રની સમયસૂચકતા તથા સક્રિયતાના લીધે રાત્રિના સમયે એક મોટી જાનહાની ટળી શકી હતી.
11 ફૂટનો વિશાળકાય મગર સાંબેલા ગામે લટાર મારવા નીકળ્યો:ગાંધીનગરના મધરાતે ગ્રામજનો ફફડી ઉઠ્યા, વન વિભાગની જહેમતથી મોટી હોનારત ટળી
📅 Published: October 6, 2026 |
📂 Category: gujarati-news
