ગાઝા યુદ્ધ માટે હમામને શહીદ થવું હતું:મિત્રને બચાવી 180ને મારવા તૈયાર થયો, અલકાયદા અંગે પણ મોટો ધડાકો, ફ્લાયદુબઇ કેસમાં છ-છ રેડ ફ્લેગ ચૂકાયા

📅 Published: October 6, 2026 | 📂 Category: International

આજે ફરી સ્મિત મચ્છરની વાત કરવી છે કારણ કે તપાસની ધમધમાટ ખાલી અરબ દેશો પૂરતી સિમિત નથી રહી, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી પણ પહોંચી છે. ખબર એવી પણ છે કે આ જ વર્ષે ઓમાની પાઈલટે તેલ અવીવની ફ્લાઈટને હાઈજેક કરીને ક્રેશ કરવાનો પ્લાન હતો પણ એવું થઈ ન શક્યું. બીજી વાત એવી છે કે આ હુમલાનું પ્લાનિંગ તો કો-પાઈલટ હમામ અલ-હમ્મામીએ ફ્લાઈ દુબઈમાં નોકરી લાગી તેના પહેલા જ બનાવી લીધું હતું. આ બે જ ધડાકા નહીં આજે બીજા છ રેડ ફ્લેગની પણ વાત કરીશું જેને બધાએ ઈગ્નોર કર્યા. સારું થયું સ્મિત, કેબિન ક્રુ, મુસાફરોએ મળીને મામલો સંભાળી લીધો બાકી ન થવાનું થઈ શકતું હતું. વિગતે વાત કરીએ સ્મિત મચ્છર પ્લેન દુર્ઘટનાની. નમસ્કાર… આમ તો મોટા ભાગની માહિતી આપને ખબર છે પણ છતાં એક ક્વિક ઓવરઓલ બેકગ્રાઉન્ડ જોઈ લઈએ પછી આગળ વધીશું. વાત છે 30 સપ્ટેમ્બર 2026ના દિવસની. સવારના પહોરમાં દુબઈથી તેલ અવીવ જવા માટે ફ્લાઈ દુબઈની FZ1073 નંબરની ફ્લાઈટ ઉડી. જે માહિતીઓ સામે આવી છે એ મુજબ નમાઝ પઢવાના બહાને કો-પાઈલટ હમામ અલ-હમ્મામીએ જાણી જોઈને કેપ્ટન સ્મિત મચ્છરનું ધ્યાન ભટકાવ્યું અને માથા પર ક્રેશ એક્સ ઝીંકી દીધી. કોકપિટ લોહીલુહાણ થઈ ગઈ. તેનો ટાર્ગેટ નક્કી હતો કે પ્લેન પર કન્ટ્રોલ કરીને 170થી વધુ મુસાફરો સાથે વિમાનને ઈઝરાયલની ધરતી પર ક્રેશ કરવું અને નવો 9/11 જેવો આતંકી હુમલો દુનિયાને ભેટમાં આપવો. જેના કારણે પ્લેનની ડિઝાઈન સ્પીડ લિમિટ તૂટી ગઈ અને પાછળનું પાંખિયું જેને રડાર કહેવાય છે તે તૂટીને હવામાં જ ગાયબ થઈ ગયું. જો આવી જ રીતે 15 સેકન્ડ સુધી પ્લેન નીચે પડતું રહ્યું હોત તો વિમાનના બે ટૂકડા થઈ જાત. જો સિસ્ટમમાં લૂપહોલ્સ ન હોત તો… પણ પ્લેનમાં શું થયું એની તો આપણે અને દુનિયાએ વાતો કરી જ લીધી છે. અત્યારે આપણો સવાલ એ છે કે અબજો ડોલર ખર્ચીને હાઈટેક્નોલોજી લગાવતી આ એવિએશન કંપનીઓ અને સ્પાય એજન્સી આ બધુ થાય એ પહેલા શું કરી રહી હતી? આપણે એવું માનીએ છીએ કે એરપોર્ટ પર સુરક્ષા એટલી કડક હોય છે કે સોય પણ ન લઈ જઈ શકાય. તો પછી પેલો કોપાઈલટ જેને દુનિયા છૂપો આતંકી પણ કહેવા લાગી છે તે ફ્લાયદુબઈમાં કાયદેસર નોકરી લઈને કોકપિટ સુધી કેવી રીતે પહોંચી ગયો? ક્યાંક તો ખામી છે જેના કારણે આ બધું શક્ય બન્યું. જો સિસ્ટમમાં લૂપહોલ્સ ન હોત તો આવું થઈ જ ન શક્યું હોત. આ બનાવ સાબિત કરે છે કે એવિએશન સિસ્ટમમાં ખામીઓ હતી જેના કારણે સ્મિત મચ્છર જેવા હિરોને અત્યારે પથારી પર સારવાર લેવી પડી રહી છે. પણ ક્યાં? અને સ્મિત મચ્છરની તબિયત કેવી છે? ચાલો તેના વિશે પણ વાત કરી લઈએ. સ્મિત ક્યાં સારવાર લઈ રહ્યા છે? કોકપિટમાં હુમલા પછી શરૂઆતમાં સ્મિતને સાઉદી અરેબિયાના તબૂકમાં જ પ્રાથમિક સારવાર અપાઈ હતી. પણ તેના પછી સ્મિતને કોઈ વાંધો ન આવે તેના માટે UAEના અબુધાબીમાં આવેલી એક મિલિટરી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. સ્મિતને ક્યાં-ક્યાં ગંભીર ઈજાઓ થઈ? કેપ્ટન સ્મિત મચ્છરને લિંબ્સ એટલે કે હાથ-પગ, છાતી અને પેટના ઉબરના ભાગમાં અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને ધ્યાનમાં લઈને અબુધાબીની હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટર્સની એક સ્પેશિયલ ટીમ સ્મિતનું સતત ધ્યાન રાખી રહ્યા છે. સાઉદી અરેબિયા અને ભારતના ડિપ્લોમેટ્સનું કહેવું છે કે સ્મિત ઝડપથી સાજા થઈ રહ્યા છે. UAEમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે પણ હોસ્પિટલમાં સ્મિત સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, આટલું જ નહીં સ્મિતના પરિવારના લોકોને પણ સ્મિત સાથે મુલાકાત કરવા દેવામાં આવી હતી. UAEની ડોક્ટર ટીમ પળેપળની અપડેટ સ્મિતના પરિવારને આપી રહ્યા છે. ભારતનું દૂતાવાસ પણ શક્ય હોય એટલી સારી સારવાર મળે તે માટે UAE સરકાર અને હોસ્પિટલના સતત કોન્ટેક્ટમાં છે. અગાઉ પણ હતો પ્લાન, પણ મિત્ર પ્લેનમાં હોવાથી કેન્સલ કર્યું આજે સ્મિતના આવા હાલ ખાલી કોપાઈલટના કારણે જ નથી થયા, ઓમાનની બેદરકારી, UAEની હાયરિંગ અને દુનિયામાં સૌથી ખતરનાક મનાતી ઈઝરાયલની જાસૂસી સંસ્થાના કારણે પણ થયા છે. જો આ લોકો પહેલા જાગી ગયા હોત તો આવું બન્યું જ ન હોત. તમને લાગતું હશે કે આપણે સીધેસીધો આવો આક્ષેપ કેમ કરી શકીએ? તો જવાબ રોયટર્સ આપે છે. રોયટર્સનું કહેવું છે કે કો-પાઈલટ હમામ નોકરી લાગતા પહેલા જ હુમલાનો પ્લાન બનાવી ચૂક્યો હતો. એકવાર મોકો મળ્યો પણ બધાના સદનસીબ કે પ્લેનમાં પોતાનો મિત્ર પણ છે એવી ખબર પડતા પ્લાન કેન્સલ કર્યો હતો. કોણ છે હમામ અલ-હમ્મામી? તેની વિગત મેળવીએ તો હમામ અલ-હમ્મામીના પિતા ઓમાની છે અને માતા સિરિયાના છે. હમામ અલ-હમ્મામીના સોશિયલ મીડિયા પર અલકાયદા કનેક્શનના પણ સમર્થનના પૂરાવા જોવા મળ્યા હતા. છતાં સિસ્ટમે આંખો બંધ રાખી અને હમ્મામી કોકપીટ સુધી પહોંચી ગયો. આ એક ઠંડા કલેજે રમાયેલી ગેમ હતી એવું રોયટર્સના દાવા પરથી કહી શકાય. રોયટર્સે દાવો કર્યો છે કે ફ્લાઈદુબઈની નોકરી પહેલા આવી રીતે પ્લેન ક્રેશ કરવાનો પ્લાન હમામે બનાવી લીધો હતો. ‘હમામ અલ-હમ્મામીને થવું હતું શહીદ’ ઇન્ડિયા ટુડેના અહેવાલ અને ઇઝરાયલની ચેનલ 12ના હવાલાથી એ વાત નક્કી થઈ છે કે હમામ અલ-હમ્મામીનો મોટિવ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો બદલો લેવાનો હતો. તે ઇઝરાયલના નાગરિકોને મારીને પોતે પણ શહીદ થવા માંગતો હતો. સાઉદી અરેબિયાના ઈન્વેસ્ટીગેટર્સે પણ માન્યું છે કે હમામને મોતનો કોઈ ડર નહોતો. એવામાં આપણને એવો સવાલ થાય કે એકલો માણસ અબજો ડોલરના પ્લેનની આખી સિસ્ટમને કેવી રીતે હાઈજેક કરી શકે? તો આ બધુ આપણને ડેટા કહેશે. 30 સેકન્ડમાં પ્લેન 16,000 ફૂટ ખાબક્યું શરૂઆત ફ્લાઈટ ટેલિમેટ્રી ડેટાની કરીએ. જ્યારે કેપ્ટન મચ્છર પર ક્રેશ કુહાડીથી હુમલો થયો ત્યારે વિમાન 34 હજાર ફૂટની ઊંચાઈએ ક્રૂઝિંગ કરી રહ્યું હતું. હુમલાખોર હમામનો ટારગેટ ખાલી પાઈલટ નહોતો આખું પ્લેન હતું. તેણે કંટ્રોલ પેનલ સાથે એવી છેડછાડ કરી કે ખાલી 30 જ સેકન્ડમાં પ્લેન સીધું 32 હજાર ફૂટથી 16 હજાર ફૂટની ઉંચાઈ પર આવી ગયું. જ્યારે પ્લેન જમીન પર પછડાઈ રહ્યું હતું ત્યારે દર સેકન્ડે 544 ફૂટની સ્પીડે પ્લેન નીચે ખાબકી રહ્યું હતું. આ સિચ્યુએશનને એવિએશનની ભાષામાં વર્ટિકલ રોલર કોસ્ટર કહેવાય છે. સામાન્ય પેસેન્જર પ્લેનની ડિઝાઈન આટલી સ્પીડ સહન કરી શકે એવી નથી હોતી. એટલા માટે જ આ ભયાનક સ્પીડના કારણે પ્લેનને હવામાં જ નુકસાન થયું હતું. હમામે ફ્યૂઅલ સ્વિચ સાથે કરી હતી છેડછાડ? બીજો પુરાવો પ્લેનની અંદરની સિસ્ટમ આપે છે. ઈટાલિયન અખબાર કોરિયર ડેલા સેરાના કહ્યા મુજબ અચાનક જ પેસેન્જર કેબિનની ઈમરજન્સી લાઈટ્સ ઓન થઈ ગઈ હતી. બોઈંગ 737ના એક્સપર્ટ્સ કહે છે કે હવામાં આવું ત્યારે જ થાય છે જ્યારે વિમાનનો મેઈન પાવર સપ્લાય કટ થઈ જાય. ટૂંકમાં આટલી કથા કરવાનો મતલબ એ હતો કે હમામે ફ્યુઅલ કટ-ઓફ સ્વીચને દબાવીને પ્લેનના બંને એન્જિન બંધ પણ કર્યા હોય શકે. આવું કરવા પાછળ તેનો આશય એવો રહ્યો હશે કે પ્લેન બચવું જ ન જોઈએ. ત્યારે જ પ્લેનમાંથી 7700નો ઈમરજન્સી અને 7500 નામનો હાઈજેક સિગ્નલ કોડ મળ્યો હતો. હમામ અલ-હમ્મામી ગાંડો થઈ ગયો હતો? તો સવાલ છે કે 29 વર્ષનો ઓમાની કો-પાઈલટ હમામ અલ-હમ્મામી ગાંડો થઈ ગયો હતો? જવાબ છે ના. આ વાતનો પૂરાવો આપે છે હમામનો ડિજિટલ ફૂટપ્રિન્ટ. હમામે પોતાનું એક્સ એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું, પણ ઈન્ટરનેટ આર્કાઈવ પરથી હમામના 3 હજાર જેટલા ડિલિટેડ ટ્વિટ્સ મળી આવ્યા હતા. આ ડેટા ચૂસો પાડીને કહે છે કે હમામ અલકાયદાના પૂર્વ ચીફ અયમાન અલ-ઝવાહિરી અને સ્યુસાઈડ બોમ્બર્સનો ફેન હતો. તે વર્ષોથી એક સ્લીપર સેલની જેમ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ભણીને આતંકી વિચારધારા સાથે જીવી રહ્યો હતો. છતાં કોઈના બેકગ્રાઉન્ડ ચેકમાં તે પકડાયો નહીં. કોકપીટ કાંડના પાંચ સુપર સ્ટાર આ ટેક્નિકલ હેકિંગ અને આતંકી કાવતરા વચ્ચે એક મજબૂત દિવાલ હતી, જેનું નામ હતું ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર. સ્મિત પાસે 17 વર્ષ પ્લેન ઉડાવવાનો અનુભવ હતો. તેની પાસે બોઈંગ 737 ઉડાવવાનો 9,750 કલાકનો મોટો અનુભવ હતો. પોતે લોહીલુહાણ હતા પણ મગજ શાંત હતું. તેણે પોતાની બધી જ તાકાત ભેગી કરીને કોકપિટના દરવાજાનો નોબ અંદરથી ખોલી નાખ્યો. પછીનું બધુ કામ મુસાફરો અને ક્રુ મેમ્બર્સની બહાદુરીના કારણે થયું. કોકપિટ ખૂલતા જ કેબિન ક્રુ મેમ્બર્સ, 50 વર્ષનો યાનિવ હાયુન નામનો ઈઝરાયલી પ્લમ્બર, શોટા મોસાએવે નામના ડેન્ટિસ્ટ, આસાફ રાજુઆને અને ઝિવકા મેનેસે મામલો સંભાળ્યો. છેલ્લે પ્લેન સાઉદી અરેબિયાના તાબૂક એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. ટૂંકમાં પ્લેન બચી ગયું પણ એવિએશનની સિક્યોરિટી સિસ્ટમ ક્રેશ થઈ ગઈ હતી. આ છ રેડ ફ્લેગ દુનિયા કેમ ચૂકી ગઈ? હવે આપણે આખી વાતને એક સ્ટેપ ઉપર લઈ જઈએ. આખી દુનિયા જાણે છે કે ઈઝરાયલની જાસૂસી એજન્સી મોસાદ કે શિનબેટ આકાશમાં ઉડતા પક્ષીને પણ પારખી લે છે. પણ આ કિસ્સામાં મોસાદની જાસૂસી કામ ન લાગી શકી. પણ કઈ રીતે? તો આપણે 6 રેડ ફ્લેગથી સમજીએ કે એક કટ્ટર કોપાઈલટ કોકપિટ સુધી કેવી રીતે પહોંચ્યો. પહેલો રેડફ્લેગઃ- પહેલી અને સૌથી મોટી રમત તો ઓમાનમાં રમાઈ. ઓમાન કોપાયલ હમામનો દેશ છે. પહેલા હમામ ઓમાનની નેશનલ એરલાઈન ઓમાન એરમાં નોકરી કરતો હતો. ઓમાનના ઓફિશિયલ્સને ખબર પડી ગઈ હતી કે હમામ કટ્ટરપંથી છે અને તેની પાસેથી શંકાસ્પદ સાહિત્ય પણ મળ્યું હતું. ઓમાને તેને ફ્લાઈંગ ડ્યૂટી પરથી હટાવી દીધો. પણ કરમની કઠણાઈ જુઓ, ઓમાન એરે હમામનું લાઈસન્સ રદ ન કર્યું. આટલું તો ઠીક બીજા દેશોને માહિતી પણ ન આપી કે અમે ફલાણી વિચારધારાવાળા માણસને બેન કર્યો છે. બીજો રેડફ્લેગઃ- જેના કારણે હમામને ક્લીન ચિટ મળી અને યુએઈની ફ્લાયદુબઈમાં તેની નોકરી લાગી. આ બીજો રેડ ફ્લેગ હતો. ફ્લાયદુબઈમાં જેણે હમામને લીધો તેણે એકવાર પણ ઓમાનને ન પૂછ્યું કે ભાઈ તમે આ મહાશયને ફ્લાઈંગમાંથી કેમ હટાવ્યો હતો? ત્રીજો રેડફ્લેગ:- હવે વાત કરીએ ત્રીજા રેડ ફ્લેગની. આજનો જમાનો એવો છે કે નાનામાં નાની પ્રાઈવેટ કંપની પણ માણસનું બેકગ્રાઉન્ડ ચેક કરે છે, જ્યારે અહીં કરોડોનું પ્લેન ઉડાડવા આપવાનું હતું છતાં કોઈએ તેનું પૂરતું ચેકિંગ ન કર્યું. ચોથો રેડ ફ્લેગઃ- તમને જાણીને નવાઈ લાગશે પણ ફ્લાયદુબઈએ નિયમ મુજબ ફ્લાઈટ દુબઈથી ઉપડી તેના પહેલા જ પેસેન્જર અને ક્રુમેમ્બર્સનું આખું લિસ્ટ ઈઝરાયલ સરકારને મોકલી દીધું હતું. આ લિસ્ટમાં ચોખ્ખું લખ્યું હતું કે કો-પાઈલટ ઓમાની નાગરિક છે. આ ચોથો રેડફ્લેગ હતો. ઈઝરાયલના નિયમ મુજબ ઓમાન સહિત દુનિયાના 27 દેશોના નાગરિકો ઈઝરાયલમાં જઈ શકતા નથી. છતાં ઈઝરાયલમાં આ લિસ્ટ કોઈએ ધ્યાને ન લીધું. પાંચમો રેડફ્લેગઃ- ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ. બંને વચ્ચે અહંકાર અને જવાબદારીની ફેંકાફેંકી ચાલી રહી છે તેવા સમાચારો છે. શિનબેટ કહે છે કે લિસ્ટ ચેક કરવાનું કામ મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટનું છે. જ્યારે પરિવહન મંત્રી મિરી રેગેવ કહે છે કે, અમેં સ્પાય એજન્સી નથી, અમારી પાસે ડેટા ચેક કરવાનું કોઈ ટૂલ નથી. હકિકત તો એ છે કે છેલ્લા બે વર્ષથી ઈઝરાયલના પરિવહન મંત્રાલયે વિદેશી ક્રુનો ડેટા ડાઉનલોડ તો કર્યો પણ જોવાની તસ્દી પણ ન લીધી. જે એજન્સી 5 મિનિટમાં આખી દુનિયાની કુંડળી કાઢી શકે તેણે ઓમાની કો-પાઈલટ હમામ માટે એરપોર્ટ સુધી આવવા માટે રેડ કાર્પેટ પાથરી દીધી. છઠ્ઠો રેડફ્લેગઃ- અમેરિકાના 9/11 હુમલા પછી દુનિયાભરના પ્લેનમાં કોકપિટના દરવાજા બુલેટપ્રુફ બનાવી બહારથી ન ખુલી શકે એવા બનાવી દેવામાં આવ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે કોઈ આતંકવાદી કોકપિટ અંદર ન ઘૂસી શકે. આ કિસ્સાની અંદર ખુદ મોત કોકપિટમાં બેઠું હતું. અત્યારે અરબ પટ્ટામાં યુદ્ધ ચાલી રહ્યું છે. આવા કપરા સમયે ફ્લાયદુબઈએ ઓમાની નાગરિકને ઈઝરાયલ જવા પરમિશન આપી દીધી. કૂલ મળીને હવે સવાલ સામે આવે છે કે સ્મિત મચ્છર તો દુનિયા સામે હિરો બની ગયા. હનુમાન ચાલીસાના પાઠ અને તેમની તાકાતના કારણે 174 લોકોનો જીવ બચી ગયો. પણ અહીં એક ગંભીર સવાલ ઉઠે છે કે સ્મિત બાદ સિસ્ટમ ક્યારે હિરો બનશે? ફરી કોકપીટ કાંડ ન થાય તેના માટે શું કરવું? એવિએશન ઈન્ડસ્ટ્રીને હવે સમજવું પડશે કે ખાલી ક્રિમિનલ રેકોર્ડ કે પોલીસ વેરિફિકેશનથી કામ નહીં ચાલે. પાઈલટની ડિજિટલ સ્ક્રીનિંગ અને AIથી સાયકોલોજીકલ કે આઈડિયોલોજીકલ પ્રોફાઈલિંગનું પણ ચેકિંગ ફરજિયાત કરવું પડશે. રાષ્ટ્રીય સુરક્ષાના નામે ખતરનાક પાઈલટોની માહિતી છૂપવવાનું બંધ કરીને ગ્લોબલ ડેટાબેઝ બનાવવો જ પડશે. ટૂંકમાં આ 30 હજાર ફૂટ ઊંચે ઉડતી સિસ્ટમ ક્યારે હિરો બનીને ઘરભેદીને ઓળખી શકશે? આ તો એવિએશન ઈન્ડસ્ટ્રીની સુરક્ષાની મજાક બની ગઈ છે. અને છેલ્લે…. ઓમાની કોપાઈલટ હમામ ઓસ્ટ્રેલિયામાં પણ રહ્યો હતો. એટલે ત્યાંની પોલીસ અને સ્પાય એજન્સીઓએ પણ તપાસ ચાલુ કરી છે. એ કોને મળતો હતો અને કેવી રીતે આ વિચારધારા નજીક આવ્યો હતો. બીજી બાજુ ન્યૂઝીલેન્ડ પણ ટેરર એંગલ પર તપાસ કરી રહી છે. કારણ કે હમામે નવેમ્બર 2018થી મે 2019 વચ્ચે ફ્લાઈટ ટ્રેનિંગ લીધી હતી. ટૂંકમાં કોઈ મોટો ધડાકો થાય તો નવાઈ ન કહેવાય. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *