Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટમાં મોટો ફેરફાર, સ્મૃતિ મંધાના બની નવી વ્હાઇટ-બોલ કેપ્ટન

📅 Published: October 6, 2026 | 📂 Category: cricket

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મંગળવારે મોટો ફેરફાર થયો. લાંબા સમયથી ટીમની કેપ્ટન રહેલી હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કર્યા બાદ BCCIએ સ્મૃતિ મંધાનાને નવી કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે. BCCIની સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ મંધાના હવે ફુલ-ટાઈમ વ્હાઇટ-બોલ કેપ્ટન રહેશે, એટલે કે વનડે અને T20I ટીમની કમાન સંભાળશે.

હરમનપ્રીતે 10 વર્ષ બાદ છોડ્યું કેપ્ટનપદ

હરમનપ્રીત કૌરે 6 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરી. તેણે સ્પષ્ટ કર્યું કે તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને હવે ખેલાડી તરીકે ટીમ માટે યોગદાન આપશે. 37 વર્ષની હરમનપ્રીતે 2016માં T20I ટીમની કમાન સંભાળી હતી અને 2022માં તે વનડે તથા ટેસ્ટ ટીમની ફુલ-ટાઈમ કેપ્ટન બની હતી. હરમનપ્રીતે પોતાની કેપ્ટનશિપ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટને અનેક મોટી સફળતાઓ અપાવી. તેના નેતૃત્વમાં ભારતે 2025માં પ્રથમ વખત મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. તાજેતરમાં 2026 એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સ્મૃતિ મંધાનાને મળી મોટી જવાબદારી

સ્મૃતિ મંધાના લાંબા સમયથી ભારતીય ટીમની વાઈસ કેપ્ટન રહી છે. તે 2013થી ભારતીય ટીમનો ભાગ છે અને હવે તેને ટીમનું નેતૃત્વ કરવાની મોટી જવાબદારી મળી છે. BCCIના જણાવ્યા પ્રમાણે મંધાનાએ અત્યાર સુધી ભારત માટે 18 T20I અને 4 વનડેમાં કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેણે પોતાની નેતૃત્વ ક્ષમતા બતાવી છે. હવે નિયમિત કેપ્ટન તરીકે તેના માટે ટીમને આગળ લઈ જવાનો મોટો પડકાર રહેશે.

RCBને બે વખત WPL ચેમ્પિયન બનાવી

મંધાનાની કેપ્ટનશિપનો અનુભવ માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પૂરતો નથી. તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મહિલા ટીમની પણ કેપ્ટન છે. તેના નેતૃત્વમાં RCBએ 2024 અને 2026માં મહિલા પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું. BCCIએ પણ મંધાનાની કેપ્ટન તરીકેની ક્ષમતાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે ડોમેસ્ટિક અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં તેણે નેતૃત્વનો અનુભવ મેળવ્યો છે.

એશિયન ગેમ્સમાં મંધાનાનો શાનદાર દેખાવ

હાલમાં જ પૂરી થયેલી 2026 એશિયન ગેમ્સમાં મંધાના ભારતીય ટીમનો મહત્વનો ભાગ હતી. ફાઇનલમાં શ્રીલંકા સામે તેણે માત્ર 45 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતે આ મેચ 147 રનથી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.આ ટૂર્નામેન્ટમાં મંધાનાએ પોતાની બેટિંગથી પણ મોટી સિદ્ધિ મેળવી હતી. શ્રીલંકા સામેની ફાઇનલ દરમિયાન તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન પૂરા કરનારી પ્રથમ બેટર બની હતી.

મંધાનાની સામે હવે મોટો પડકાર

કેપ્ટન તરીકે મંધાનાની પ્રથમ મોટી જવાબદારી ટીમને નવા તબક્કામાં આગળ લઈ જવાની રહેશે. ખાસ કરીને T20 ક્રિકેટમાં 2026 વર્લ્ડ કપના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં કેટલાક ફેરફાર અને નવી વ્યૂહરચનાની જરૂરિયાત રહેશે. BCCIએ પણ કહ્યું છે કે મંધાનાનો અનુભવ અને રમતની સમજ ટીમને આગળના તબક્કામાં મદદ કરશે. BCCI પ્રમુખ મિથુન મનહાસે મંધાનાને અભિનંદન આપતા કહ્યું કે તે લાંબા સમયથી ભારતીય ક્રિકેટનો મહત્વનો ભાગ રહી છે અને આગળથી નેતૃત્વ કરવાની ક્ષમતા સતત બતાવી છે.

મંધાનાએ હરમનપ્રીતનો આભાર માન્યો

નવી કેપ્ટન બન્યા બાદ મંધાનાએ BCCI, પસંદગીકારો, સાથી ખેલાડીઓ અને ચાહકોનો આભાર માન્યો. તેણે ખાસ કરીને હરમનપ્રીત કૌરના યોગદાનને પણ યાદ કર્યું. મંધાનાએ કહ્યું કે ભારતનું નેતૃત્વ કરવાની જવાબદારી મળવી તેના માટે ખૂબ જ ખાસ સન્માન છે. તેણે ટીમ સાથે મળીને કામ કરવાની અને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે પોતાનું શ્રેષ્ઠ આપવાની વાત કરી છે.

આ પણ વાંચો: IND VS WI: શાઈ હોપની વિસ્ફોટક ધમાલ, કિલર પ્રદર્શનથી ગેલ અને પુરનની યાદીમાં મેળવ્યું ખાસ સ્થાન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *