કંપનીના એકાઉન્ટન્ટને બોસના નામે મેસેજ કરી ₹95.80 લાખ પડાવ્યા:બીજા દિવસે ફરીથી ગઠિયાએ બોસ બની ₹1.26 કરોડ ટ્રાન્સફર કરવાનું કહેતા ભાંડો ફૂટ્યો

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

શહેરમાં એલિસબ્રિજ ખાતે આવેલી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા આધેડ વયના એકાઉન્ટન્ટને કંપનીમાં બોસના નામે સાયબર ગઠિયાઓએ મેસેજ કરીને રૂ.95.80 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જે નંબર પરથી બોસ બનીને મેસેજ કરવામાં આવ્યો હતો. તે નંબર બોસના નામથી જ સેવ કરવામાં આવ્યો હતો અને બોસનો ફોટો ડીપીમાં મૂકવામાં આવ્યો હતો. બીજા દિવસે ફરીથી ગઠિયાએ બોસ બની રૂ.1.26 કરોડ ટ્રાન્સફર કરવાનું કહેતા સાયબર ફ્રોડની જાણ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. વોટ્સએપ પર બોસનો ફોટો અને સેવ થયેલો નંબર જોઈ રૂ.95.80 લાખ ટ્રાન્સફર કર્યા
સેટેલાઈટમાં રહેતા 51 વર્ષીય આધેડ એલિસબ્રિજમાં આવેલી ખાનગી ફાઇનાન્સ કંપનીમાં છ મહિનાથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. કંપનીના પૈસા ટ્રાન્સફર કરવાનું કામ પણ આધેડ જ કરે છે. 6 જુલાઈના એકાઉન્ટન્ટને વોટ્સએપ પર કંપનીના બોસના નામથી સેવ કરેલા નંબર અને બોસના ફોટો વાળા ડીપીથી મેસેજ આવ્યો હતો. જેમાં કોઈ એકાઉન્ટ નંબર આપી તેમાં રૂ.95.80 લાખ ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જેથી એકાઉન્ટન્ટે બોસ સમજીને પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. બીજા દિવસે રૂ. 1.26 કરોડ માગતાં ભાંડો ફૂટ્યો
બીજા દિવસે પણ બોસના નંબર પરથી ફરીથી એક એકાઉન્ટ નંબર આપીને રૂ.1.26 કરોડ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી એકાઉન્ટન્ટે ઓફિસમાં બોસ સાથે વાત કરી ત્યારે બોસે તે મેસેજ ન કર્યો હોવાનું જણાવ્યું હતું. બોસે અગાઉ પણ મેસેજ નહતો કર્યો તેની પણ જાણ થઈ હતી. જેથી અજાણ્યા ગઠિયાએ કંપનીનો મોબાઇલ અને કોમ્પ્યુટર હેક કરીને અજાણ્યો નંબર બોસના નામે સેવ કરી બોસનો ફોટો ડીપી તરીકે વાપરીને એકાઉન્ટન્ટને મેસેજ કરીને 95.80 લાખ પડાવ્યા તે મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *