PM શહબાઝનું ઇમરાન સમર્થકોને વાતચીતનું આમંત્રણ:સમર્થકો બોલ્યા- પૂર્વ પીએમની મુક્તિની માગ સાથે કોઈ સમાધાન નહીં; લોંગ માર્ચ પેશાવારથી 30 કિમી દૂર

📅 Published: October 7, 2026 | 📂 Category: International

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિને લઈને પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. ઇમરાન સમર્થકોની લાંબી કૂચ હવે પેશાવરથી માત્ર 30 કિલોમીટર દૂર છે. કૂચને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ઇમરાન સમર્થકોને વાતચીતનું આમંત્રણ આપ્યું. શાહબાઝનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે, કારણ કે સોમવારે જ તેમની સરકારે ઇમરાન સમર્થકો સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ઇમરાન સમર્થકોએ શાહબાઝના વાતચીતના પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે તેઓ ઇમરાન ખાનની મુક્તિની માગથી પાછળ નહીં હટે. ઇમરાન સમર્થકોએ 4 ઓક્ટોબરથી ખૈબર પખ્તૂનખ્વામાંથી કૂચ શરૂ કરી છે. તેઓ આશરે 180 કિલોમીટરનું અંતર કાપીને ઇસ્લામાબાદ પહોંચશે. માર્ચની તસવીરો… શાહબાઝે કહ્યું- આર્થિક સુધારાને નુકસાન પહોંચી શકે છે શાહબાઝ શરીફ સતત ચેતવણી આપી રહ્યા છે કે લાંબા સમય સુધી ચાલતું પ્રદર્શન પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસોને નુકસાન પહોંચાડી શકે છે. વડાપ્રધાને કહ્યું કે સરકાર છેલ્લા અઢી વર્ષથી દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રયાસોને રોકવાનો કોઈપણ પ્રયાસ રાજ્ય સાથે દુશ્મની કરવા સમાન હશે. શાહબાઝે કહ્યું, અમે આવું થવા નહીં દઈએ. કાયદો પોતાનું કામ કરશે. લોકોના જીવ અને સંપત્તિની સુરક્ષા અમારી જવાબદારી છે અને અમે દરેક સ્થિતિમાં તેને સુનિશ્ચિત કરીશું. માર્ચ વધુ વધ્યો તો શાહબાઝની ખુરશી જોખમમાં આવશે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગમાં રહી ચૂકેલા અવિનાશ મોહનાનીએ કહ્યું કે ઇમરાન સમર્થકોની લોંગ માર્ચ ખૈબરથી પંજાબમાં પહોંચતાં જ શાહબાઝ સરકાર પર દબાણ વધારશે. વ્યાપક સમર્થન મળ્યું તો આર્મી ચીફ મુનીર માટે પણ તેને રોકવું મુશ્કેલ બનશે. આ જ કારણે માર્ચને રોકવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. ઇમરાનની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે અને તેમની મુક્તિની ચાવી મુનીર પાસે છે. બીજી તરફ, સિનિયર ફેલો અને રાજકીય વિશ્લેષક સુશાંત સરીનના મત મુજબ, આસિમ મુનીર લોંગ માર્ચના બહાને શાહબાઝ શરીફને ઘેરી રહ્યા છે. સરીનના જણાવ્યા મુજબ, મુનીરે પહેલાં માર્ચના માર્ગમાં ખૈબરમાં ફ્રન્ટિયર ફોર્સ તૈનાત કરી. ત્યાર બાદ મંગળવારે શાહબાઝને ઇમરાન સમર્થકોને વાતચીત માટે બોલાવવા કહ્યું. તેમનું કહેવું છે કે મુનીર શાહબાઝને નબળા વડાપ્રધાન તરીકે રજૂ કરવા માગે છે, જેથી લોકોનો સરકાર વિરુદ્ધનો ગુસ્સો વધે. પાકિસ્તાનની રાજનીતિના ઇતિહાસને જોતા શાહબાઝનું સત્તા પરથી જવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ઇમરાન 2023થી જેલમાં બંધ, પત્ની-બહેનો પણ કેદ છે 73 વર્ષના ઇમરાન ખાન 2023થી રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે. તેમના પર 100થી વધુ કેસ નોંધાયેલા છે. ત્રણ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષ, દસ્તાવેજ લીક કેસમાં 10 વર્ષ અને તોશાખાના કેસમાં 3 વર્ષની સજા છે. તોશાખાના કેસમાં ઇમરાનની પત્ની બુશરા પણ જેલમાં છે. સપ્ટેમ્બરમાં ઇમરાનની બહેનો અલીમા, ઉઝમા અને નૂરીનને પણ તકેદારીના ભાગરૂપે કસ્ટડીમાં લેવામાં આવી છે. 18 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે ઇમરાનને તબીબી તપાસ અને સારવાર માટે ઇસ્લામાબાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. 20 ઑગસ્ટની રાત્રે તેમને ખાનગી હોસ્પિટલને બદલે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (PIMS) લઈ જવામાં આવ્યા. તપાસ બાદ તેમને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યા. માર્ચને ઇસ્લામાબાદ પહોંચતા પહેલાં જ રોકવાની તૈયારી ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ અફરીદીએ જાહેરાત કરી કે માર્ચ ચાલુ રહેશે. ટાંકી, ડેરા ઇસ્માઇલ ખાન, દક્ષિણ વઝીરિસ્તાન, ઉત્તર વઝીરિસ્તાન, બન્નૂ અને લક્કી મારવતના સમર્થકો ગાંધી ચોકથી માર્ચમાં જોડાયા. વડાપ્રધાન શરીફના રાજકીય સલાહકાર રાણા સનાઉલ્લાહે જણાવ્યું કે પ્રદર્શનકારીઓને ઇસ્લામાબાદમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે રાજધાની તરફ જતા રસ્તાઓ પર વધારાના સુરક્ષાદળો તૈનાત કર્યા છે. સરકાર સાથે બે તબક્કાની વાતચીત, પરંતુ સહમતિ બની નહીં સરકાર અને PTI વચ્ચે શુક્રવાર અને શનિવારે બે તબક્કાની વાતચીત થઈ, પરંતુ સહમતિ બની નહીં. PTIએ ઇમરાન સાથે તાત્કાલિક મુલાકાત અને તેમને એવી હોસ્પિટલમાં ખસેડવાની માગ કરી, જ્યાં તેમના ખાનગી ડોક્ટરો તપાસ અને સારવાર કરી શકે. સરકાર તરફથી પ્રદર્શન રદ કરવાની શરત મૂકાઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *