સાબરકાંઠા જિલ્લાની ઈડર પોલીસ ટીમે શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઠગાઈ આચરતી આ ગેંગના 5 આરોપીઓની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં કનુ વાઘેલા, તુષાર વાઘેલા, કિશન વાઘેલા, હસમુખ ઠાકોર અને અજીતજી ઠાકોરનો સમાવેશ થાય છે.
લાયસન્સ વગર ગેરકાયદે ટ્રેડિંગ અને ‘એન્જલ વન-માર્કેટ પ્લસ’ એપથી છેતરપિંડી
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સ્ટોક એક્સચેન્જ કે સેબી (SEBI)ના કોઈપણ માન્ય લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે શેરબજારમાં લે-વેચનો કાળો કારોબાર ચલાવતી હતી. આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા માટે ‘એન્જલ વન’ અને ‘માર્કેટ પ્લસ’ જેવી જાણીતી એપ્લિકેશનોનો દુરુપયોગ કરતા હતા. તેઓ વોટ્સએપ મેસેજિંગ અને ડાયરેક્ટ કોલિંગ મારફતે રોકાણકારોને જાળમાં ફસાવીને તેમની પાસેથી મોટી રકમ રોકાણ કરાવ્યા બાદ નાણાં પચાવી પાડતા હતા.
રૂ. 51.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ઈડર PSI પોતે બન્યા ફરિયાદી
ઈડર પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરીને આરોપીઓ પાસેથી કુલ રૂ. 51,57,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 21 નંગ સ્માર્ટફોન, એક સ્કોર્પિયો કાર, એક બલેનો કાર, રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોતે આ ગુનામાં ફરિયાદી બન્યા છે અને કાયદેસરનો ગુનો નોંધી ગેંગના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Vadodara News : કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.25,000ની લાંચ લેતા ACBએ ગોઠવ્યું છટકું, શિનોરમાં આશુતોષ પાઠક રંગેહાથ પકડાયો
