સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો એટલે કે ‘લવ જેહાદ’નો ગંભીર બનાવ સામે આવ્યો હતો. આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ થયા બાદ સતત ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી રહીમ શેખને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
‘રોહન’ નામ ધારણ કરી યુવતીને ફસાવી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રહીમ શેખે પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવીને પોતાનું નામ ‘રોહન’ બતાવ્યું હતું. ‘રોહન’ બનીને તેણે યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. યુવતી વિશ્વાસમાં આવી જતાં આરોપી રહીમે તેને સાથે લગ્ન કરવાની ખોટી લાલચો આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
સચ્ચાઈ સામે આવતાં જ આરોપી થયો હતો ફરાર
જ્યારે યુવતીને આરોપીની અસલી ઓળખ રહીમ શેખ હોવાની ખબર પડી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. પીડિતા દ્વારા આ અંગે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવતાં જ આરોપી રહીમ શેખ પોતાનો બચાવ કરવા માટે ભાગી છૂટ્યો હતો. જોકે, સુરત પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને ઝડપી પાડ્યો છે. હાલ ચોક બજાર પોલીસે આરોપી રહીમ શેખ સામે કડક કાયદાકીય કલમો હેઠળ આગળની તપાસ ધમધમાવી છે.
આ પણ વાંચો : Rajkot News : અલ્પેશ દોંગા જમીન કૌભાંડમાં મોટો ખુલાસો, કુલ 250થી વધુ ખેડૂતોની જમીનની ફાઇલો SITની રડારમાં…
