નવરાત્રિ પર્વ ટાણે ખેલૈયાઓમાં શરીર પર ટેટૂ કરાવવાનો ક્રેઝ વધી જાય છે.અલબત્ત,અસુરક્ષિત ટેટૂ ત્રોફાવવાથી હિપેટાઈટિસની જીવલેણ બીમારીનું જોખમ રહે છે. ટેટૂ કરાવતી વખતે સંક્રમિત સોયનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે એટલે હંમેશાં નવી સોય વાપરવાનો આગ્રહ રાખવો જરૂરી છે.તબીબો કહે છે કે,ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઈટિસ બીના પ્રસારનો દર અંદાજે 3.30 ટકા આસપાસ છે.હિપેટાઈટિસની બીમારીને રોકવા માટે સુરક્ષિત રીતે ટેટૂ મુકાવવા અને કડક સ્ટરીલાઈઝેશન પ્રોટોકોલ્સ અન્વયે જરૂરી છે.
જીવલેણ રોગની નોબત આવી શકે છે
નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.આ ઉત્સવને લઈ યુવાનો અત્યારથી જ તડામાર તૈયારીમાં લાગી ગયા છે.યુવાનોમાં ટેટૂનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે.જાણકારો કહે છે કે,ટેટૂને લીધે હિપેટાઈટિસ બી,સીના કિસ્સાઓ સામે આવતા રહે છે.ટેટૂ કરાવતી વખતે ત્વચામાં છિદ્ર પાડવામાં આવતાં હોય છે,સંક્રમિત સોય બીમાર ના પાડે તેની તકેદારી રાખવી જરૂરી છે.સોયને જંતુ રહિત ન કરાય તો ખંજવાળ, બળતરા, ફોલ્લી અને પરુ જેવી સમસ્યા થઈ શકે છે.ચેપ વધુ ફેલાય તો સ્કીન પર કાયમી ડાઘ પડી શકે છે.સોય બરોબર સાફ ન હોય તો હિપેટાઈટિસ બી,સી જેવા જીવલેણ રોગની નોબત આવી શકે છે.
આ બીમારી ચેપગ્રસ્ત લોહી દ્વારા ફેલાય છે
આ બીમારી ચેપગ્રસ્ત લોહી દ્વારા ફેલાય છે.જાણકારો કહે છે કે,ઘણી વાર સોય નવી તો વપરાતી હોય છે પરંતુ એક જ શાહીની બોટલમાં સોય વારંવાર જાય અને કોઈ સંક્રમિતના લોહીના કણો શાહીમાં ભળે તો પણ ચેપ ફેલાઈ શકે છે.હિપેટાઈટિસને લીધે લીવર-યકૃત પર અસર પડે છે,જે તે આર્ટિસ્ટ સાધનો સાફ કરવા માટે ઓટોક્લેવ મશીનનો ઉપયોગ કરે છે કે કેમ તેમજ આર્ટિસ્ટ ટેટૂ બનાવે તે વખતે ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ ગ્લોવ્ઝ પહેરે છે કે કેમ તે ખાસ જોવું જોઈએ.નવરાત્રિ પર્વમાં ફેશનની ઘેલછામાં પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમજૂતી ના કરવી જોઈએ.
