Rajkot News : અલ્પેશ દોંગા જમીન કૌભાંડમાં મોટો ખુલાસો, કુલ 250થી વધુ ખેડૂતોની જમીનની ફાઇલો SITની રડારમાં…

📅 Published: October 7, 2026 | 📂 Category: Crime

રાજકોટમાં ચર્ચિત જમીન કૌભાંડી અલ્પેશ દોંગા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસનો ઘેરાવો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. પોલીસે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી અલ્પેશ દોંગાની ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરીને વધુ 100 જેટલા ખેડૂતોની જમીન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ ગ્રામ્ય પોલીસે અલ્પેશ દોંગા પાસે અંદાજે 150 જેટલા ખેડૂતોના જમીનના કાગળો જપ્ત કર્યા હતા.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કાગળોની ચકાસણી

અત્યાર સુધીમાં કુલ 250થી વધુ ખેડૂતોની જમીનના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. આ તમામ જપ્ત કરાયેલા દસ્તાવેજો સંદર્ભે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા બોગસ કાગળો, ધાક-ધમકી કે નાણાકીય ગેરરીતિઓ આચરીને ખેડૂતોની જમીનો હડપ કરવાનો ખેલ ખેલાયો હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે. SITની તપાસ આગળ વધતાં આ સમગ્ર કૌભાંડનો વ્યાપ ખૂબ મોટો હોવાનો ખુલાસો થઈ શકે છે.

અલ્પેશના કબ્જા માટે ક્રાઇમ બ્રાન્ચની કવાયત

બીજી તરફ, હાલ જેલમાં બંધ રહેલા કૌભાંડી અલ્પેશ દોંગાનો સત્તાવાર કબ્જો મેળવવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કાનૂની કવાયત શરૂ કરી દીધી છે. આ કૌભાંડમાં અલ્પેશને નાણાકીય પીઠબળ પૂરું પાડતા તેના બે મુખ્ય ફાઇનાન્સરોની પણ પોલીસે ધરપકડ કરી હતી, જેમના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ફાઇનાન્સરોની કડક પૂછપરછમાં નાણાકીય હેરાફેરી અને અન્ય સંકળાયેલા શખ્સોના નામો બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Surat News : શાળા કક્ષાએ ફરજિયાત કમિટી રચવા DEOના કડક આદેશ, પરીક્ષાના તણાવ અને ડિપ્રેશન સામે રક્ષણ મેળવવા અપાશે કાઉન્સેલિંગ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *