IPL 2027 પહેલા પંજાબ કિંગ્સને મોટો ઝટકો, રિકી પોન્ટિંગના 2 ખાસ કોચે છોડ્યો સાથ

📅 Published: October 8, 2026 | 📂 Category: cricket

IPL 2027ની તૈયારીઓ શરૂ થાય તે પહેલાં પંજાબ કિંગ્સના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર થયો છે. ટીમના ફાસ્ટ બોલિંગ કોચ જેમ્સ હોપ્સ અને ફીલ્ડિંગ કોચ બ્રેડ હેડિન હવે ફ્રેન્ચાઇઝી સાથે જોવા નહીં મળે. બંનેએ તાજેતરમાં પંજાબ કિંગ્સ મેનેજમેન્ટને પોતાના નિર્ણયની જાણ કરી હતી. હોપ્સ અને હેડિન બંને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર છે અને રિકી પોન્ટિંગના સપોર્ટ સ્ટાફનો મહત્વનો હિસ્સો હતા. હવે પંજાબ કિંગ્સે તેમના સ્થાને નવા કોચ શોધવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે.

હોપ્સને ઓસ્ટ્રેલિયામાં મોટી જવાબદારી

જેમ્સ હોપ્સે પંજાબ કિંગ્સમાં રિકી પોન્ટિંગ સાથે કામ કર્યું હતું. તેઓ પોન્ટિંગ સાથે દિલ્હી કેપિટલ્સમાંથી પંજાબ કિંગ્સમાં આવ્યા હતા. હવે હોપ્સે ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ક્રિકેટમાં મોટી જવાબદારી સંભાળી છે. હોપ્સ હવે ક્વીન્સલેન્ડના હેડ કોચ બન્યા છે. આ ઉપરાંત તેઓ BBLની ટીમ બ્રિસ્બેન હીટના હેડ કોચની જવાબદારી પણ સંભાળશે. એટલે IPL છોડ્યા બાદ તેઓ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં બે મહત્વની ભૂમિકા ભજવશે. 

હેડિન પણ NSWના હેડ કોચ બન્યા

બ્રેડ હેડિન પંજાબ કિંગ્સમાં ફીલ્ડિંગ કોચ તરીકે કામ કરતા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર હેડિન હવે ન્યૂ સાઉથ વેલ્સ (NSW)ના પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ બની ગયા છે. આ જવાબદારી માટે તેમની નિમણૂકની જાહેરાત માર્ચ 2026માં જ થઈ હતી અને તેઓ જૂનથી ભૂમિકા સંભાળવાના હતા. હેડિનનો પંજાબ કિંગ્સ સાથેનો સંબંધ પોન્ટિંગ કરતાં પણ જૂનો હતો. તેઓ અગાઉની મેનેજમેન્ટ ટીમના સમયમાં પણ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા રહ્યા હતા. બાદમાં પોન્ટિંગની ટીમમાં ફીલ્ડિંગ કોચ તરીકે કામ કર્યું.

પહેલા સાઈરાજ બહુતુલે પણ છૂટા થયા

પંજાબ કિંગ્સ માટે આ એકમાત્ર કોચિંગ સ્ટાફમાં ફેરફાર નથી. IPL 2026 પૂરી થયા બાદ સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે પણ ટીમ છોડી હતી. તેમણે ભારતીય ટીમ સાથે ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં સ્પિન બોલિંગ કોચની જવાબદારી સ્વીકારી છે. આ રીતે પંજાબ કિંગ્સના સપોર્ટ સ્ટાફમાં હવે એકસાથે ફાસ્ટ બોલિંગ, ફીલ્ડિંગ અને સ્પિન બોલિંગ કોચની જગ્યાઓ ખાલી થઈ ગઈ છે.

ઓક્શન પહેલા 3 નવા કોચની શોધ

પંજાબ કિંગ્સ હવે આ ત્રણેય જગ્યાઓ માટે નવા કોચ શોધી રહી છે. અહેવાલો મુજબ ફ્રેન્ચાઇઝી IPL 2027ની ડિસેમ્બરમાં યોજાનારી ઓક્શન પહેલાં નવી નિમણૂક કરવા માગે છે ટીમ એક ભારતીય અને બે વિદેશી કોચની શોધમાં છે. નવા કોચની પસંદગીમાં રિકી પોન્ટિંગની ભૂમિકા મહત્વની રહેશે. ફ્રેન્ચાઇઝી ઉમેદવારોનાં નામ સૂચવી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય મુખ્ય કોચ પોન્ટિંગની સહમતિથી લેવામાં આવે તેવી શક્યતા છે. 

આ પણ વાંચો: Suryakumar Yadavનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ આ ટૂર્નામેન્ટથી કરશે કમબેક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *