કચ્છમાં નવરાત્રીના પાવન પર્વને લઈને માતાના મઢ તરફ ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે. મા આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે ત્યારે લાંબી પદયાત્રા દરમિયાન ભક્તોને થાક અને પગના દુખાવામાં રાહત મળે તે માટે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા દયાપર ખાતે અનોખી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. વન સંરક્ષણની કામગીરી સાથે લોકસેવાનો સંદેશ આપતા વન વિભાગના કર્મચારીઓ પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં ખડેપગે જોવા મળી રહ્યા છે. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલની પ્રેરણા અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ દયાપર ઉત્તર વન્યજીવ રેન્જ અને દયાપર દક્ષિણ રેન્જ દ્વારા આ સેવાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દયાપર ફોરેસ્ટ કેમ્પ ખાતે શમિયાણો ઉભો કરી યાત્રાળુઓ માટે વિશેષ સેવા કેન્દ્ર બનાવાયું છે, જ્યારે દયાપર દક્ષિણ રેન્જના રેસ્ટ હાઉસ ખાતે પણ પદયાત્રીઓને રોકાઈને થાક ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસભરની લાંબી પદયાત્રા બાદ પગમાં થતો દુખાવો અને શારીરિક થાક દૂર કરવા માટે કેમ્પમાં ઇલેક્ટ્રિક મસાજરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ ગરમ પાણીની થેલીથી શેક, સામાન્ય પ્રાથમિક સારવાર તથા મલમ-પટ્ટી જેવી સેવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જેના કારણે યાત્રાળુઓને આગળની યાત્રા માટે નવી સ્ફૂર્તિ મળી રહી છે. સેવા કેમ્પમાં માત્ર આરોગ્યલક્ષી સુવિધાઓ જ નહીં, પરંતુ પીવાનું પાણી, ચા-નાસ્તો, મોબાઇલ ચાર્જિંગની સુવિધા અને ગાદલા પાથરી આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હવાઉજાશવાળા મંડપમાં થોડો સમય વિશ્રામ કરી પદયાત્રીઓ ફરી માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ સેવા પદયાત્રીઓ માટે રાહતરૂપ બની છે. કુદરતના સંરક્ષણની જવાબદારી નિભાવતા વન કર્મચારીઓ દ્વારા ધાર્મિક યાત્રામાં જોડાયેલા લોકો માટે કરવામાં આવી રહેલી આ નિઃસ્વાર્થ સેવા માનવતા અને લોકસેવાનો સુંદર સંદેશ આપી રહી છે.
માતાના મઢ જતા પદયાત્રીઓને વન વિભાગે આપી રાહત:દયાપરમાં મસાજરથી પગની માલિશ, પ્રાથમિક સારવાર અને આરામની વ્યવસ્થા
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
