દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં CBIએ એક દેશવ્યાપી બેન્કિંગ ભરતી રેકેટ (Banking Recruitment Racket) નો પર્દાફાશ કરીને મેરિટોરિયસ અને લાયક ઉમેદવારોની તકો છીનવનાર એક મોટા કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. આ કેસમાં એજન્સીએ મલ્ટી-સ્ટેટ રેડ હાથ ધરીને ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ચાર રાજ્યોમાં ફેલાયેલું હતું કૌભાંડનું નેટવર્ક
આ ગેરકાયદે ભરતી રેકેટનું નેટવર્ક દેશના ચાર મોટા રાજ્યોમાં સક્રિય હતું. CBIની તપાસમાં ખુલાસો થયો છે કે, આ નેટવર્ક મુખ્યત્વે દિલ્હી, બિહાર, હરિયાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ફેલાયેલું હતું. બેન્કિંગ ક્ષેત્રની પરીક્ષાઓમાં પાસ કરાવવાના નામે આ રેકેટના સાક્ષીઓ ઉમેદવારો સાથે ઠગાઈ કરતા હતા અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે ગેરરીતિ આચરતા હતા.
પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં બેસાડાતા હતા નકલી ઉમેદવારો
આ રેકેટ કામ કરવાની ખૂબ જ ખોટી અને ભેજાબાજ રીત અપનાવતું હતું. બેન્કિંગ ક્ષેત્રની લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ બંને તબક્કે અસલી ઉમેદવારોના સ્થાને નકલી વ્યક્તિઓને બેસાડવામાં આવતા હતા. આ મામલે IBPS (ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન) દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે CBIએ સત્તાવાર FIR નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મુંબઈ CBIની સ્પેશિયલ ટાસ્ક બ્રાન્ચે વિવિધ રાજ્યોમાં એકસાથે દરોડા કરીને આ ગુનાનો પર્દાફાશ કર્યો છે.
CGST ઈન્સ્પેક્ટરની સંડોવણી અને આગામી તપાસ
આ ગંભીર કૌભાંડમાં CBIએ અત્યાર સુધીમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ખાસ ચિંતાજનક બાબત તો એ છે કે, પકડાયેલા આ આરોપીઓમાં એક CGST ઈન્સ્પેક્ટર પણ સામેલ છે, જે સરકારી પદ પર રહીને આ પ્રકારના રેકેટમાં સંડોવાયેલો હતો. CBIના જણાવ્યા અનુસાર, આ પ્રકારના રેકેટ સખત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતા તેજસ્વી અને લાયક યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરી તેમની યોગ્ય તકો છીનવી લે છે. હાલ આ સમગ્ર ભરતી કૌભાંડમાં અન્ય કયા-કયા લોકો સંકળાયેલા છે અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: Ahmedabad સૈન્ય ભરતી કચેરી દ્વારા ગોધરા ખાતે અગ્નિવીર ભરતી રેલીનું આયોજન
