વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા પાલડી ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ખેતરે કામકાજ અર્થે ગયેલા 60 વર્ષીય નિવૃત્ત પોલીસ કર્મચારી રમેશભાઈ પીરુભાઈ ભાલીયા મગરના ભયાનક હુમલાનો શિકાર બન્યા છે. મગર તેમને નદીના ઊંડા પાણીમાં ખેંચી જતાં સમગ્ર પાલડી ગામમાં અફરાતફરી અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.
ખેતરમાં પાણી સેટ કરવા નદીમાં ઉતરતાં જ મગરે જડબામાં દબોચ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, રમેશભાઈ ભાલીયા પોતાના ખેતરે કામ અર્થે ગયા હતા અને નદીમાંથી ખેતરમાં પાણી લઈ જવા માટેનું કામકાજ કરી રહ્યા હતા. તે સમયે નદીમાં ઉતરતાં જ વિશ્વામિત્રીમાં છુપાયેલા મગરે અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો અને પાણીમાં ખેંચી ગયો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે, મગરે આ નિવૃત્ત પોલીસ કર્મચારીને સતત બે કલાક સુધી પોતાના મોંમાં દબોચી રાખ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ અને જરોદ પોલીસનો કાફલો સ્થળ પર
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં નદી કિનારે એકઠા થઈ ગયા હતા અને તુરંત જ તંત્રને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વડોદરા ફાયર બ્રિગેડ, વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) ની ટીમો તેમજ જરોદ પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટીમો દ્વારા નદીના પાણીમાં મગરના કબજામાંથી નિવૃત્ત પોલીસ કર્મીને છોડાવવા અને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Crime News : મુંબઈ એરપોર્ટ પર સોનાની તસ્કરીનો પર્દાફાશ, જૂતાના સોલમાં છુપાવેલી રૂ. 37 લાખની સોનાની પેસ્ટ ઝડપાઈ…
