આણંદ શહેરની શ્રી ગણેશ આંગડિયા પેઢીમાંથી ખોટી ઓળખાણ આપી આશરે રૂ.45 લાખની રકમ મેળવી મૂળ માલિકને પરત નહીં આપી છેતરપિંડી કરવાના ચકચારી કેસમાં આણંદ ટાઉન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.44.82 લાખની રોકડ રકમ, રોકડ ભરેલી બેગ, કાર અને સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ.47.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આંગડિયા પેઢીમાંથી રોકડ લઈ જનાર સહિત બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈના નરેન્દ્રભાઈ મફ્તલાલ શાહ દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તા.29મી સપ્ટેમ્બર, 2026ના રોજ અજાણ્યા શખ્સોએ ખોટી ઓળખાણ આપી આણંદની શ્રી ગણેશ આંગડિયા પેઢીમાંથી આશરે રૂ.45 લાખની રકમ મેળવી હતી. ત્યારબાદ આ રકમ મૂળ માલિકને પરત નહીં આપી છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચનાથી આરોપીઓને ઝડપી પાડવા અને છેતરપિંડીની રકમ રિકવર કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આણંદ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. કંડોરિયાની દેખરેખ હેઠળ પીએસઆઈ એસ.ડી. પટેલ સહિતની ટીમે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન અનીલકુમાર ચમનલાલ શ્રીચંદભાઈ મથવાણી (ઉં.વ.47, રહે. બદરખા, તા. ધોળકા, જી. અમદાવાદ) તથા અમિતકુમાર શંકરલાલ પરસોત્તમદાસ ખત્રી (ઉં.વ.35, રહે. વડોદરા, મૂળ ડીસા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.
Anand : છેતરપિંડી કરનારા બંને શખ્સને 4 દિવસના રિમાન્ડ
📅 Published: October 8, 2026 |
📂 Category: Anand
