Rajkot News: નવા 150 ફૂટ રિંગ રોડ પર બની રહેલા બ્રિજની ગુણવત્તા સામે સવાલો, રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે નવા 150 ફૂટ રીંગ રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલા નિર્માણાધીન બ્રિજના મામલામાં મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે.મ્યુનિસિપલ કમિશનરની સરપ્રાઈઝ વિઝિટ બાદ સોંપવામાં આવેલા સત્તાવાર તપાસ રિપોર્ટમાં બ્રિજની મજબૂતી અને તેની ગુણવત્તા સામે અત્યંત ગંભીર સવાલો ઊભા થયા છે. 

 મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા

રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર અંદાજે 42 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ મહત્વપૂર્ણ બ્રિજોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.આ પ્રોજેક્ટ શહેરીજનો માટે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી હાથ ધરવામાં આવ્યો હતો.દરમિયાન,ગત 10 સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ કમિશનરે આ નિર્માણાધીન ત્રણ બ્રિજની અચાનક સ્થળ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન વાજડી પાસે બની રહેલા બ્રિજનું એલાયમેન્ટ અને કામગીરી પ્રાથમિક દ્રષ્ટિએ જ વાંધાજનક જણાઈ આવી હતી.સ્થળ પરની અનિયમિતતાઓ જોઈને કમિશનરે ત્વરિત પગલાં લેતા બે જવાબદાર ઈજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

અમદાવાદની એજન્સીને સોંપાઈ હતી બ્રિજની તપાસ

સ્થાનિક સ્તરે થયેલી પ્રાથમિક તપાસ બાદ આ મામલાની તપાસ માટે કામગીરી અમદાવાદની એક નિષ્ણાત એજન્સીને સોંપવામાં આવી હતી.આ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટે તંત્રના હોશ ઉડાડી દીધા છે.તપાસ એજન્સીના રિપોર્ટ મુજબ,વાજડી પાસે નિર્માણાધીન આ બ્રિજ અત્યંત નબળી ગુણવત્તાવાળો છે અને તે ભવિષ્યમાં કોઈપણ ભૂકંપ સામે ટકી શકે તેમ નથી.રિપોર્ટમાં એવો પણ ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે આ બ્રિજ સમય જતા એક તરફ નમવા લાગશે.જે રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તપાસ એજન્સીના ટેકનિકલ મૂલ્યાંકનમાં બ્રિજના નિર્માણમાં કરવામાં આવેલી ગંભીર ક્ષતિઓ ઉજાગર થઈ છે. 

નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે

રિપોર્ટ અનુસાર, બ્રિજના સ્ટ્રક્ચરમાં સળિયાનું જોઇન્ટિંગ ખૂબ જ આડેધડ અને નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત 5 બોક્સ પિલરનું કોપિંગ કરતી વખતે પણ એન્જિનિયરિંગ ધોરણોની ગંભીર અવગણના કરવામાં આવી હોવાનો મોટો ધડાકો થયો છે.આ ગંભીર રિપોર્ટ સામે આવ્યા બાદ રાજકોટના બેજવાબદાર ઇજનેરો, ગુણવત્તા સાથે ચેડા કરનાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી પ્રબળ સંભાવના છે. કરોડો રૂપિયાના ટેક્સના નાણાંમાંથી બનતા આ પ્રોજેક્ટમાં લોકોના જીવન સાથે થઈ રહેલા ચેડાં સામે નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: સાડી ઉપર ભગવાન બુદ્ધની છબી છાપવી ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નથી: હાઈકોર્ટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *