અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત એવા SG હાઇવે પર વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. SG હાઇવે પર આવેલા YMCA ક્લબથી લઈને કર્ણાવતી ક્લબ સુધીનો રોડ વાહનવ્યવહાર માટે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ઓવરબ્રિજ નિર્માણની કામગીરીને કારણે છેલ્લા કેટલાક સમયથી બે કિલોમીટર સુધીનો આ રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે ટ્રાફિક જામની સમસ્યા વેઠવી પડી રહી હતી.
નવરાત્રી પર્વ પહેલાં ટ્રાફિકમાંથી મોટી મુક્તિ
તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓવરબ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તહેવારોની મોસમ પહેલાં નાગરિકોની સુવિધા માટે આ રોડ પુનઃ ખુલ્લો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ ફરી શરૂ થતાં જ આ વિસ્તારમાં સતત સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો નોંધાશે અને વાહનચાલકોનો કિંમતી સમય પણ બચશે.
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ અને ગરબા રસિકોને થશે મોટો ફાયદો
આગામી સમયમાં શરૂ થઈ રહેલા નવરાત્રીના પવિત્ર મહાપર્વ દરમિયાન SG હાઇવે અને ક્લબ રોડ પર ગરબા આયોજનોને કારણે ભારે ભીડ જોવા મળતી હોય છે. YMCA થી કર્ણાવતી ક્લબ રોડ શરુ થઈ જવાથી નવરાત્રી દરમિયાન ગરબા રમવા નીકળતા ખેલૈયાઓ અને મોડી રાત્રે અવરજવર કરતા વાહનચાલકોને સુગમ વાહનવ્યવહારનો લાભ મળશે. તંત્રના આ નિર્ણયથી વાહનચાલકો અને ગરબા રસિકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News: સાડી ઉપર ભગવાન બુદ્ધની છબી છાપવી ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નથી: હાઈકોર્ટ
