અમદાવાદ જેવા મેગા સિટીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી ચૂકી છે તેનું વધુ એક શરમજનક અને ખૌફનાક ઉદાહરણ રામોલ વિસ્તારમાંથી સામે આવ્યું છે. પોલીસના નામ માત્રનો પણ ડર ન હોય તેમ બેફામ બનેલા અસામાજિક તત્વો હવે ખુલ્લેઆમ હથિયારો લઈને રસ્તાઓ પર આતંક મચાવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગુનેગારોના મનમાંથી કાયદાનો ડર સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને સામાન્ય નાગરિકો તથા મહિલાઓ ખુલ્લા આકાશ નીચે અસુરક્ષિત જીવવા મજબૂર બન્યા છે.
CCTV ફૂટેજે ખોલી પોલીસની પોલ
ગત 2જી ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનાના સામે આવેલા CCTV ફૂટેજે સૌ કોઈના રૂંવાડા ઊભા કરી દીધા છે. જાહેર રસ્તા પર ઉભેલી યુવતી અને તેની સાથેના યુવકને નિશાન બનાવીને એક્ટિવા ઉપર સવાર થઈને આવેલા બે અજાણ્યા નરાધમોએ અચાનક તલવારો ઉછાળવાનું શરૂ કરી દીધું હતું. કોઈ પણ પ્રકારના સંકોચ કે ડર વગર કરવામાં આવેલા આ જીવલેણ હુમલામાં સીધી યુવતીના મોઢાના ભાગે તલવાર વાગી હતી, જેનાથી લોહીલુહાણ થયેલી સ્થિતિ સર્જાઈ હતી. આ હિંસક કરતૂતે સ્પષ્ટ કરી દીધું છે કે રાત્રિના સમયે પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ સીમિત છે.
આ બેફામ તત્વો પર ક્યારે આવશે કાયદાનો સકંજો?
ગુજરાતમાં માતાજીની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રિના પવિત્ર દિવસો બિલકુલ નજીક આવી ગયા છે, જ્યાં લાખો દીકરીઓ અને મહિલાઓ મોડી રાત્રે ગરબા રમવા માટે બહાર નીકળતી હોય છે. તેવા સંવેદનશીલ સમયે જો જાહેરમાં તલવારો ચાલતી હોય, તો નારી સુરક્ષાના દાવા પોકળ સાબિત થાય તે સ્વાભાવિક છે. તંત્ર અને પોલીસ પ્રશાસન ક્યારે આ નરાધમો અને અસામાજિક તત્વોની તાકાત તોડશે? શું કોઈ મોટી હોનારત સર્જાય પછી જ પોલીસ જાગશે? તેવા સવાલો હવે જનતા દ્વારા ઉઠી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આવા ગુનેગારોને શોધીને એવા દાખલારૂપ પગલાં ભરવા જોઈએ જેથી ફરી કોઈ દીકરી સામે જોવાની હિંમત ન કરે.
આ પણ વાંચો : Ahmedabad News : વાહનચાલકો માટે સૌથી મોટા સમાચાર: YMCA થી કર્ણાવતી ક્લબ રોડ ફરી શરૂ થયો!
