અમદાવાદમાં સોના-ચાંદીના દાગીના તથા વાસણો બનાવી આપવાના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર પિતા-પુત્રની જોડીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આરોપીઓએ ફરિયાદી તેમજ અન્ય સગા-સંબંધિઓને ચાંદીના વાસણો બનાવી આપવાનું બહાનું બતાવી તથા રોકાણ પર સારો આર્થિક ફાયદો કરાવવાની લોભામણી લાલચ આપી હતી. આ રીતે વિશ્વાસઘાત કરીને આરોપીઓએ કુલ રૂ.27.68 લાખનું સોનું, ચાંદી અને રોકડ રકમ પડાવી લીધી હતી.
દાગીના કે રૂપિયા પરત ન મળતાં નોંધાઈ હતી ફરિયાદ
સમય વીતવા છતાં આરોપીઓએ સોના-ચાંદીના દાગીના બનાવી આપ્યા ન હતા અને લીધેલા નાણાં કે કિંમતી સામાન પરત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં ભોગ બનનારે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી અને કુબેરનગરના બંગ્લા એરિયા વિસ્તારમાં રહેતા ઉમેશ ચેલાણી અને નારાયણદાસ ચેલાણી નામના પિતા-પુત્રની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી.
રૂ.9.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, આગળની તપાસ ચાલુ
પોલીસે આરોપી પિતા-પુત્ર પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.9,08,945 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી, આ પિતા-પુત્રની જોડીએ અગાઉ અન્ય કેટલા લોકોને આ જ રીતે પોતાની ઠગાઈનો ભોગ બનાવ્યા છે તે દિશામાં કડક પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરી છે.
