ROBOFEST અંતર્ગત 36 કલાકના AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન હેકાથોનનું સમાપન:યુવાનોના ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સના વિચારો ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નોલેજ બેઝ્ડ ઇનોવેશનના યુગમાં યુવાનોની સર્જનાત્મકતા દેશના વિકાસને નવી દિશા આપશે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને આનંદ કૃષિ યુનિવર્સિટી વચ્ચે “બાયોફર્ટિલાઇઝર્સ અને બાયોપેસ્ટિસાઇડ્સ માટેના બાયો-મેન્યુફેક્ચરિંગ હબ” ની સ્થાપના માટે એમ.ઓ.યુ. કરાયા જી.એસ.બી.ટી.એમ. અને સેન્ટ્રલ સોલ્ટ (CSIR–CSMCRI) વચ્ચે પોરબંદર ખાતે મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર (M-BRIC) ની સ્થાપના માટે એમ.ઓ.યુ. કરાયા
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર ખાતે ROBOFEST-GUJARAT 6.0 અંતર્ગત “AI-Powered Robotics Innovation Challenge” થીમ પર આયોજિત 36 કલાકના AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન હેકાથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજકોસ્ટના ડાયરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા હેકાથોનનું આરએસસી ભાવનગર ખાતેથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. તા. 6 થી 9 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલ આ હેકાથોનમાં ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય છ રાજ્યોની કુલ 52 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેનો સમાપન સમારોહ કેબિનેટ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી અને અર્જુનભાઇ મોઢવાડીયાની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) અને આનંદ કૃષિ યુનિવર્સિટી (AAU) વચ્ચે “બાયોફર્ટિલાઇઝર્સ અને બાયોપેસ્ટિસાઇડ્સ માટેના બાયો-મેન્યુફેક્ચરિંગ હબ”ની સ્થાપના માટે MoU કરવામાં આવ્યા હતા. આ હબ દ્વારા અદ્યતન માઇક્રોબિયલ બાયોટેકનોલોજી, સંશોધન, પાયલોટ-સ્કેલ બાયો-મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજીના વ્યાપારીકરણને એક સાથે જોડવામાં આવશે. આ પહેલથી સ્વસ્થ જમીન, સુરક્ષિત અને ટકાઉ ખેતી, ખેડૂતો માટે ગુણવત્તાયુક્ત બાયો-ઇનપુટ્સ તથા કૃષિ ક્ષેત્રે નવીનતા અને રોજગારીની નવી તકોને વેગ મળશે. આ ઉપરાંત GSBTM અને CSIR–CSMCRI વચ્ચે પોરબંદર ખાતે Marine Biotechnology Research Innovation Corridor (M-BRIC)ની સ્થાપના માટે પણ MoU કરવામાં આવ્યા હતા. આ પહેલ ગુજરાતમાં મરીન બાયોટેકનોલોજી અને Blue Bio economyને વેગ આપવાની સાથે Seaweed Biotechnology, Microalgae, Marine Bio products અને Bio refineries જેવા ક્ષેત્રોમાં સંશોધન, ટેકનોલોજી વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. હેકાથોનને દેશભરમાંથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. કુલ 480 ટીમોએ નોંધણી કરાવી હતી અને 100 થી વધુ Ideation Submissions પ્રાપ્ત થયા હતા. નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ મુખ્ય હેકાથોન માટે 52 ટીમોની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલી ટીમોમાં ગુજરાતના 9 જિલ્લાઓની 37 ટીમો તેમજ મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળની 15 ટીમોનો સમાવેશ થયેલ હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ યુવાનોને પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું કે, યુવાનો પાસે રહેલા નવીન વિચારો, જ્ઞાન અને સંશોધન કરવાની ક્ષમતા ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. યુવાનો દ્વારા વિકસાવવામાં આવતાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સના વિચારો માત્ર ગુજરાત કે ભારત પૂરતા મર્યાદિત ન રહેતાં સમગ્ર વિશ્વ માટે ઉપયોગી સાબિત થશે. તેમણે જણાવ્યું કે, ભારતનું ભવિષ્ય જ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન આધારિત છે અને યુવાનોની સર્જનાત્મકતા તથા ટેકનિકલ કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેઓ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને વિઝનને પરિણામે દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને ઇનોવેશનને નવી દિશા મળી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. અગાઉ મોટા વિજ્ઞાન કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને પોતાના જિલ્લાની નજીક જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો પરિચય મળે તેવા હેતુથી રાજ્યમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપનાથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધન પ્રત્યેની જિજ્ઞાસાને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે, ગુજરાતે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, બાયોટેકનોલોજી અને માહિતી પ્રૌદ્યોગિકી જેવા ક્ષેત્રોમાં વિકાસ માટે વિવિધ નીતિઓ ઘડી છે. ધોલેરાને સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસો ગુજરાતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી સુવિધાઓ અને સંશોધન માટેનું અનુકૂળ વાતાવરણ આવનારી પેઢી માટે નવી તકોનું નિર્માણ કરશે. આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ યુવા ઇનોવેટરોને પ્રેરણાત્મક સંબોધન કરતાં જણાવ્યું કે, આજના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતાં ઇનોવેશન માત્ર પ્રયોગો પૂરતાં સીમિત નથી, પરંતુ સમાજ અને ઉદ્યોગોની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ માટે નીતિગત સ્તરે થયેલા પ્રયાસોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગને અલગ ઓળખ આપીને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી કરવામાં આવી હતી. સ્ટેમ (STEM) ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપતી નીતિઓ તેમજ સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટેના પ્રયાસો ભવિષ્યના ઔદ્યોગિક વિકાસ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વિશ્વભરમાં નવી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ઝડપથી વિકસી રહ્યાં છે. આ ક્ષેત્રમાં થઈ રહેલું રોકાણ અને ટેક્નોલોજીનો વિકાસ યુવાનો માટે નવી તકો ઊભી કરી રહ્યો છે. તેથી વિદ્યાર્થીઓએ બદલાતી ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને સંશોધન, નવીનતા અને સમસ્યાના ઉકેલ માટેની ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. આ હેકાથોનમાં વિજેતા બનેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને અનુક્રમે રૂપિયા 10 લાખ, 7.5 લાખ અને 5 લાખ જેટલી પ્રાઇઝ મની આપવામાં આવી તથા ટ્રોફીથી નવાજીત કરવામાં આવ્યા હતા. પ્રથમ વિજેતા ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ઈનામ 10 લાખ, દ્વિતીય વિજેતા ગાંધીનગર ઇન્સ્ટીટ્યૂટ ટેકનોલોજી ઈનામ 7.5 લાખ, તૃતીય વિજેતા બિરલા વિશ્વકર્મા મહાવિધ્યાલય ઈનામ 5 લાખ વિજેતા થી હતી… 36 કલાક દરમિયાન ભાગ લીધેલ ટીમોએ વાસ્તવિક જીવનના વિવિધ પડકારો માટે Autonomous Robotic Systems અને AI આધારિત રોબોટિક સોલ્યુશન્સ વિકસાવ્યા હતા. સમગ્ર હેકાથોન દરમિયાન મેન્ટરો, શિક્ષણવિદો અને ટેકનિકલ નિષ્ણાતો દ્વારા ટીમોને સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન નવીનતા, ટેકનિકલ શક્યતા, વ્યવહારુ ઉપયોગિતા તથા મોટાપાયે અમલીકરણની ક્ષમતા જેવા વિવિધ માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું. આ હેકાથોનમાં સુરક્ષા, સમુદ્રના ઊંડાણમાં સંશોધન, રમતગમતમાં ચોકસાઈ, સ્વાયત્ત ડ્રાઇવિંગ, સ્માર્ટ શોપિંગ ટ્રૉલી, માનવતાવાદી કામગીરી અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે તેવી રોબોટિક સિસ્ટમ્સ વિકસાવવામાં આવી હતી. GUJCOSTના ડાયરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ROBOFEST-GUJARAT 6.0, AI આધારિત રોબોટિક્સ હેકાથોન તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલી આ પહેલો ગુજરાતને વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન અને બાયો-ઇકોનોમીના ક્ષેત્રે અગ્રેસર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. આ તકે ધારાસભ્ય સેજલબેન પંડયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.ગિરીશ ગોસ્વામી, GUJCOSTના ડૉ.પાયલબેન પંડિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *