લોકશાહીમાં પારદર્શિતા અને વહીવટી તંત્રની જવાબદારી સુનિશ્ચિત કરવામાં માહિતી અધિકાર અધિનિયમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. સરકારી કચેરીઓમાંથી નાગરિકોને સમયસર માહિતી મળી રહે અને કાયદાની જોગવાઈઓનો યોગ્ય અમલ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ભુજ સ્થિત કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આર.ટી.આઈ. સપ્તાહ ઉજવણી-૨૦૨૬ અંતર્ગત પરિસંવાદ યોજાયો હતો. ૯ ઓક્ટોબરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત માહિતી આયોગના રાજ્યના મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયરે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભારત સરકાર દ્વારા દર વર્ષે ૫થી ૧૨ ઓક્ટોબર દરમિયાન આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત આ પરિસંવાદમાં કચ્છ ઉપરાંત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. વાવ-થરાદ ખાતેથી કલેક્ટર સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત કચ્છના નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયર, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે માહિતી અધિકાર કાયદાથી લોકશાહી વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીને નવું બળ મળ્યું છે. તેમણે સંબંધિત અધિકારીઓને અરજદારોને નિયત સમયમર્યાદામાં માહિતી ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો. પરિસંવાદ દરમિયાન આર.ટી.આઈ. વિષયક વીડિયો અને પોડકાસ્ટ દ્વારા કાયદાની વિવિધ કલમો સમજાવવામાં આવી હતી. મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયરે જાહેર માહિતી અધિકારીઓ તથા પ્રથમ અપીલ અધિકારીઓ દ્વારા થતી સામાન્ય ભૂલો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અરજીઓને પ્રાથમિકતા આપવા અને કાયદામાં નિર્ધારિત સમયમર્યાદાનું પાલન કરવા ભાર મૂક્યો હતો. સાથે જ તમામ વિભાગોએ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર એટલે કે સ્વયંપ્રેરિત માહિતી જાહેર કરવાની જોગવાઈઓ અનુસાર પોતાની માહિતી અદ્યતન રાખવી જોઈએ તેમ સૂચવ્યું હતું. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પણ અધિકારીઓ અને કર્મચારીઓને કાયદાકીય જોગવાઈઓની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે અધિક કલેક્ટર પી.એલ. વિઠાણીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત કચ્છ, બનાસકાંઠા અને વાવ-થરાદના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય માહિતી કમિશનરે અધિકારીઓને સમયસર માહિતી આપવા સૂચન કર્યું:ભુજમાં RTI સપ્તાહ ઉજવણીમાં કાયદાની જોગવાઈઓ સમજાવી, ભૂલો સુધારવા ભાર મુકાયો
📅 Published: October 9, 2026 |
📂 Category: gujarati-news
