આગામી શારદીય નવરાત્રિમાં છોટાઉદેપુર નગરમાં રાજવી પરિવારના કુળદેવી કાલિકા માતાના મંદિરે ભાવિકો ઊમટી પડશે. રાજાશાહીથી નગરના માઇભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. નગરની પોળો અને સોસાયટીઓમાં પણ ગરબાનું આયોજન કરાયું છે. છોટાઉદેપુર નગરની મધ્યમાં પ્રાચીન શ્રી કાલિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જેના ચમત્કારની વાતો આજે પણ લોકોના હૃદયમાં વસેલી છે. છોટાઉદેપુર એક સ્ટેટ હતું રાજવી પરિવારના કુળદેવી તરીકે નગરની મધ્યમાં શ્રીકાલિકા માતાના મંદિરની સ્થાપના છોટાઉદેપુરના રાજવીએ કરી હતી. અતિ ચમત્કારિક અને પૌરાણિક મંદિર સાથે આજે પણ લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. માં શક્તિની ભક્તિ અને આરાધનાનું પપર્વ નવરાત્રી તા. 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ મહાપર્વને લઈને છોટાઉદેપુર નગર સહિત 7 તાલુકામાં આવેલ માં શક્તિના મંદિરોને રોશનીથી શણગારી દેવાયા છે. જિલ્લામાં ઠેર-ઠેર પ્રાચીન અને અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે. નવરાત્રીને હવે 2 દિવસ જ બાકી હોય, આયોજકો દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ઐતિહાસિક અને વિવિધ સ્થળોએ ગરબાની તૈયારી થઈ ગઈ છે. છોટાઉદેપુર નગરમાં આવેલા અતિ પ્રાચીન શ્રી કાલિકા માતાના મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત ગરબાનું આયોજન થાય છે. જ્યાં માં અંબાના ચોકમાં શ્રદ્ધાપૂર્વક પુરુષો અને મહિલાઓ ગરબે ઘૂમે છે. ઉપરાંત નગરના લાઈબ્રેરી રોડ પર છેલ્લા 63 વર્ષથી સતત ગરબાનું વિશેષ આયોજન કરાય છે. જ્યારે નિર્મળ સોસાયટી, ગુરુકૃપા સોસાયટી અને રાજપૂત ફ્ળિયા કુસુમ વિલાસ પેલેસ જેવા વિવિધ વિસ્તારોમાં પણ ભવ્ય ગરબા મહોત્સવ યોજાય છે. નવ દિવસ સુધી માં આદિશક્તિના નવચંડીના વિવિધ રૂપોની આરાધના કરવા માટે ભક્તો, ખાસ કરીને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
Chhota udepur : છોટાઉદેપુર મધ્યે સ્ટેટ સમયે બિરાજેલ મા કાલિકા માતાજી આસ્થાનું કેન્દ્ર
📅 Published: October 9, 2026 |
📂 Category: gujarati-news
