ગુજરાતમાં ઓલિમ્પિક માટે ખેલાડીઓ તૈયાર કરવાની તૈયારી
શહેરના સમા ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભનુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. જે પ્રસંગે તેમણે કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2030માં કોમન વેલ્થ યોજાવાની છે અને વર્ષ 2036માં ઓલિમ્પીકની યજમાની મળવાની પુરી શક્યતાઓ છે. આપણે અત્યારથી જ 10-12 વર્ષના ખેલાડીઓને ઓલમ્પીક ગેમ્સ માટે તૈયાર કરવા ધ્યાન આપીશુ તો 2036માં ખેલાડીઓ તૈયાર કરી શકીશુ. મુખ્યમંત્રીએ પ્રસંગોપાત ઉમેર્યું કે, ખેલાડીઓને સ્ટેજ મળે તે માટે ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે 2010માં નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેનાથી રાજ્યમાં એક નવુ સ્પોર્ટસ કલ્ચર ઊભુ કરેલુ છે. તે સમયે ગુજરાતમાં ખેલાડીઓ ન હતા એવુ ન હતુ. પરંતુ ખેલાડીઓને રમત -ગમત ક્ષેત્રમાં પ્લેટફોર્મ મળતુ ન હતુ. જે ખેલ મહાકુંભથી મળતુ થયુ છે. ‘ખેલશે ગુજરાત જીતશે ગુજરાત’નો મંત્ર હવે દરેક ખેલાડીઓના જીવનનો હિસ્સો બન્યો છે. નરેન્દ્ર મોદી કહે છે કે, ‘પોટેન્સીયલ પ્લસ પ્લેટફોર્મ ઈક્વલટૂ પર્ફોમન્સ’. જેનુ ઉત્કર્ષ ઉદાહરણ ગુજરાત ખેલમહાકુંભ છે. સમયે સમયે ગુજરાતે સિધ્ધીના નવા શિખરો સર કર્યા છે. ખેલાડીઓને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર, સાધન- સુવિધાઓ અને તાલીમ મળે. તે સુનિશ્ચિત કર્યુ. પ્રથમ ખેલ મહાકુંભમાં 16.5 લાખ જેટલા રમતવીરો જોડાયા હતાં. તે વધીને આજે ખેલ મહાકુંભમાં 76 લાખથી વધુ રમતવીરો જોડાયા છે. તે રેકોર્ડ છે. રમત ગમત ક્ષેત્રને વેગ આપવા વર્ષ 2006માં શક્તિદૂત યોજના અમલમાં મૂકાઈ હતી. જેના પરિણામે ગુજરાતને વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ મળ્યા છે. પ્રધાનમંત્રી મોદીની હાંકલ છે કે, ઓલિમ્પીકની જે રમતોમાં ભારત રમતુ નથી, તેમાં 2036ના ઓલિમ્પીકમાં આપણા ખેલાડીઓ ભાગ લે. તેવી ચેલેન્જ આપી છે અને ગુજરાત ચેલેન્જ પુર્ણ કરવા કટીબદ્ધ છે. જે માટે ટેલેન્ટ હન્ડ અભિયાન ચલાવાશે. મોદીએ નશામુક્ત યુવા શક્તિના નિર્માણની વાત કરી છે. તાજેતરમાં મોદીએ વિકસીત ભારતના નિર્માણ માટે ‘વી વીલ ડૂ ઈટ’નો મંત્ર આપ્યો છે. જે ખેલાડીઓના રોમ રોમમાં વણાયેલો છે. દરેક ખેલાડી નક્કી કરે કે, તેઓ અને તેમના મિત્ર જીવનમાં કદી વ્યસન નહીં કરે. તો આપણે નશામુક્ત ભારતનુ નિર્માણ કરી શકીશુ. આજના પ્રસંગે ખેલ મહાકુંભ-2025ની શ્રેષ્ઠ શાળાઓ, શ્રેષ્ઠ મહાનગર પાલિકાઓ અને શ્રેષ્ઠ જિલ્લાઓને રોકડ પુરસ્કાર આપીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રમત ગમત રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામીત, વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, સુરતના મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, સતિષ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, જિલ્લા ભાજપ પ્રમુખ બી.જે. બ્રહ્મભટ્ટ, રમત ગમત વિભાગના સચિવ રાહુલ ગુપ્તા, અધિક સચિવ વિક્રાંત પાંડે, વડોદરા કમિશનર અરૂણ મહેશ બાબુ, સુરત કમિશર રાજકુમાર બેનીવાલ, વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા વિગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
