GIFT સિટીમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT)ની કેમ્પસમાં બ્લૂમબર્ગ ટર્મિનલ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહ્યું છે. આ સુવિધાથી MBAના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણવાની સાથે ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ કેવી રીતે કામ કરે છે તેનો પ્રેક્ટિકલ અનુભવ મળશે. વિદ્યાર્થીઓ શેરબજારના ડેટા, નાણાકીય સમાચાર અને માર્કેટમાં થતા ફેરફારોને સમજવા માટે આ ટર્મિનલનો ઉપયોગ કરી શકશે. એક જ પ્લેટફોર્મ પર મળશે માર્કેટની માહિતી
બ્લૂમબર્ગ ટર્મિનલ એક એડવાન્સ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના દ્વારા દુનિયાના નાણાકીય બજારોના સમાચાર, ડેટા, રિસર્ચ અને એનાલિસિસ મેળવી શકાય છે. વિદ્યાર્થીઓ આ માહિતીના આધારે માર્કેટની સ્થિતિ સમજવા અને ફાઇનાન્સ સંબંધિત નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે તે શીખી શકશે. આ રીતે તેમને માત્ર થિયરી નહીં, પરંતુ વાસ્તવિક માર્કેટમાં ઉપયોગમાં લેવાતાં ટૂલ્સ સાથે કામ કરવાની તક મળશે. BMC સર્ટિફિકેટથી રેઝ્યૂમેમાં થશે વધારો
IIFTના GIFT સિટી કેમ્પસમાં બ્લૂમબર્ગ માર્કેટ કન્સેપ્ટ (BMC) સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવવામાં આવે છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ફાઇનાન્સ માર્કેટની કામગીરી અને તેના વિવિધ કોન્સેપ્ટની સમજ મળશે. કોર્સ પૂર્ણ કર્યા બાદ મળતું સર્ટિફિકેટ તેમના રેઝ્યૂમેમાં ઉમેરો કરી શકે છે. ગ્લોબલ ફાઇનાન્સ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં કરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આ અનુભવ ઉપયોગી થઈ શકે છે. GIFT સિટીની ફાઇનાન્સ કંપનીઓ માટે પણ ઉપયોગી
GIFT સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસનું મહત્વનું હબ બની રહ્યું છે. અહીં બેન્કો, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, એક્સચેન્જ અને ફિનટેક કંપનીઓ કાર્યરત છે. આવા વાતાવરણમાં બ્લૂમબર્ગ ટર્મિનલ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં વપરાતી ટેક્નોલોજી અને માર્કેટની વાસ્તવિક કામગીરી સમજવામાં મદદ કરશે. GIFT સિટીમાં કાર્યરત વિવિધ નાણાકીય સંસ્થાઓ અને IFSCAના નિયમન હેઠળની સંસ્થાઓ પણ ગ્લોબલ માર્કેટની માહિતી, રિસર્ચ અને એનાલિસિસ માટે આ પ્રકારના ટર્મિનલનો ઉપયોગ કરે છે. MBA ઉપરાંત અન્ય કોર્સમાં પણ મળશે ફાયદો
IIFTના GIFT સિટી કેમ્પસમાં આ સુવિધા વિકસાવવામાં કુલપતિ પ્રો. ડૉ. કે. રંગરાજન, કેમ્પસ હેડ પ્રો. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શર્મા અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. કૌશિક ભટ્ટાચાર્યના પ્રયાસોનો ફાળો રહ્યો છે. બ્લૂમબર્ગ ટર્મિનલનો ઉપયોગ MBA (ઇન્ટરનેશનલ બિઝનેસ), એક્ઝિક્યુટિવ એજ્યુકેશન, PhD રિસર્ચ અને શોર્ટ-ટર્મ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં પણ થઈ શકે છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં કામ આવે તેવું પ્રેક્ટિકલ નોલેજ આપવાનો છે. તેનાથી વિદ્યાર્થીઓ ગ્લોબલ ફાઇનાન્સ સેક્ટરની જરૂરિયાતો સમજી શકશે અને ભવિષ્યમાં નોકરી તથા કરિયરની તકો માટે વધુ સારી તૈયારી કરી શકશે.
GIFT સિટીમાં MBAના વિદ્યાર્થીઓને બ્લૂમબર્ગ ટર્મિનલથી મળશે ગ્લોબલ માર્કેટની સમજ:શેરબજારના ડેટા અને માર્કેટ એનાલિસિસ શીખશે, સર્ટિફિકેટથી જોબની તક વધશે
📅 Published: October 10, 2026 |
📂 Category: gujarati-news
