દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને દિલ્હી પોલીસે સમગ્ર શહેરમાં અભૂતપૂર્વ અને લોખંડી સુરક્ષા કવચ ગોઠવી દીધું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાનારા આ પ્રદર્શન માટે પોલીસે કોઈ મંજૂરી આપી નથી. તેમ છતાં સંભવિત ઘર્ષણ અને અંધાધૂંધી રોકવા માટે 25,000જેટલા સુરક્ષા જવાનો ખડકી દેવામાં આવ્યા છે અને નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 લાગુ કરી દેવાઈ છે.
કનોટ પ્લેસ અને ભગીરથ પેલેસ માર્કેટ સંપૂર્ણ બંધ
વિરોધ પ્રદર્શનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજધાનીના મુખ્ય વેપારી સંગઠનોએ સાવચેતીના ભાગરૂપે બજારો બંધ રાખવાની જાહેરાત કરી છે. નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન (NDTA) ના પ્રમુખ અતુલ ભાર્ગવના પરિપત્ર મુજબ, કનોટ પ્લેસની દુકાનો, ઓફિસો, શોરૂમ્સ અને રેસ્ટોરાં શનિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.એશિયાના સૌથી મોટા ઇલેક્ટ્રિકલ માર્કેટ તરીકે ઓળખાતા ભગીરથ પેલેસના ટ્રેડર્સ બોર્ડે દિલ્હી પોલીસ સાથેની બેઠક બાદ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોને પણ બજારમાં ન આવવા અપીલ કરાઈ છે. સાવચેતીના પગલા તરીકે શુક્રવાર અને શનિવારે દિલ્હીમાં તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો પણ આદેશ અપાયો છે.
રાજીવ ચોક સહિત 45 મેટ્રો સ્ટેશનો અને નમો ભારત ટ્રેન બંધ
પ્રદર્શનકારીઓને નવી દિલ્હી વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા માટે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર મોટો કાપ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી રાજીવ ચોક, નવી દિલ્હી, સેન્ટ્રલ સેક્રેટરીએટ, પટેલ ચોક, જનપથ, મંડી હાઉસ, બારખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, ઇન્દ્રપ્રસ્થ, ITO, દિલ્હી ગેટ, ખાન માર્કેટ, જામા મસ્જિદ, ચાંદની ચોક, કાશ્મીરી ગેટ, હૌઝ ખાસ અને INA સહિતના ૪૫ મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ ગેટ આગામી સૂચના સુધી બંધ કરી દેવાયા છે. શુક્રવાર રાતથી અનેક લોકલ રેલવે ટ્રેનો અને નમો ભારત (RRTS) ટ્રેન સેવાઓ પણ સ્થગિત રાખવામાં આવી છે.
પોલીસે પરવાનગી કેમ નકારી? કલમ 163 હેઠળ કડક ચેતવણી
નવી દિલ્હી રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર નુપુર પ્રસાદે જણાવ્યું હતું કે, CJP ના સહ-સંયોજક સૌરવ દાસ દ્વારા આ વિરોધ પ્રદર્શન માટે 7 ઓક્ટોબરે અરજી કરવામાં આવી હતી. નિયમ મુજબ આવી અરજીઓ ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ કરવી ફરજિયાત હોવાથી આ અરજી ફગાવી દેવામાં આવી છે.રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) ની 120 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. પોલીસે ચેતવણી આપી છે કે BNSS ની કલમ 163 નું ઉલ્લંઘન કરનારા, ગેરકાયદેસર ધરણાં કરનારા અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
