માંડલ : દેત્રોજધામ ખાતે શ્રી રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા દેવના નૂતન મંદિરના ભવ્ય નિર્માણના ખાતમુહૂર્તને લઈને સમગ્ર રબારી સમાજમાં ભક્તિ,શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો છે. ભગવાન શ્રી વડવાળા દેવ અને સદગુરુ શ્રી મેઠસ્વામી મહારાજની કૃપા અને આશીર્વાદથી નુતન મંદિરના ખાતમુહુર્તને લઈ ઐતિહાસિક અને આધ્યાત્મિક બનાવવાના સંકલ્પ સાથે દેશના વિવિધ પવિત્ર તીર્થધામોની અનોખી મહાતીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેત્રોજ ધામથી નીકળેલી ચાર વિશેષ ટીમે આ યાત્રા દરમ્યાન આઠ રાજ્યોમાં અંદાજે 25 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી ભારતભૂમિના પવિત્ર તીર્થસ્થળોમાંથી માટી અને જળ એકત્ર કર્યા બાદ દેત્રોજ ધામે પરત ફરતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. શ્રી રબારી ધર્મગુરુ ગાદીના આદ્યસ્થાપક ગુરુ શ્રી મેઠસ્વામી બાપુના આશીર્વાદ તથા પુ. સંત 1008 લખીરામ બાપુની દિવ્ય પ્રેરણાથી યોજાયેલી આ મહાતીર્થ યાત્રા એક પ્રવાસ નહીં પરંતુ આસ્થા, સંસ્કૃતિ,સંકલ્પ અને સમાજની એકતાનો જીવંત સંદેશો પાઠવે છે. યાત્રાળુઓએ દેશના પવિત્ર ધામોની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ મંદિર નિર્માણમાં સંકલ્પ હેતુથી ત્યાના પવિત્ર નદી, જળસંગમ અને પવિત્ર કુંડ, સરોવરનું જળ તેમજ દરેક ધર્મસ્થાનોમાંથી માટી લઈને આવ્યાં છે તે માટી અને જળ દેત્રોજ મંદિરના ખાતમુહુર્તમાં ધાર્મિકવિધિ સાથે અર્પણ કરવામાં આવશે. યાત્રા દરમ્યાન ચાર ધામ, બાર જ્યોર્તિલીંગ, બાવન વિષ્ણુ મંદિરો, શક્તિપીઠ, ચાર કુંભસ્થાનો સહિતના ધાર્મિક અને ભારતવર્ષના મુખ્ય ધાર્મિક સ્થાનો છે. આ તમામ જગ્યાઓનો આ યાત્રામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
Ahmedabad : અમદાવાદ જિલ્લાના દેત્રોજધામમાં શ્રી વડવાળા દેવના નૂતન મંદિરના ખાતમુહૂર્તનાં અવસરની તૈયારીઓ
📅 Published: October 9, 2026 |
📂 Category: Ahmedabad
