અમદાવાદ શહેરમાં મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને નિશાન બનાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પ્રતિષ્ઠિત સરકારી મેડિકલ કોલેજમાં MBBS માં એડમિશન અપાવવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી રૂ. 22.75 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત વાલીની ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
રૂ. 40 લાખમાં એડમિશનની ડીલ કરી
મળતી વિગતો અનુસાર, આરોપીઓએ ફરિયાદીને સરકારી મેડિકલ કોલેજમાં ચોક્કસ ક્વોટા હેઠળ MBBS માં પ્રવેશ અપાવી દેવાની ખાતરી આપી હતી. આ માટે આરોપીઓએ કુલ રૂ. 40 લાખમાં એડમિશન અપાવવાની ડીલ નક્કી કરી હતી. ફરિયાદીનો વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ ટુકડે-ટુકડે કરીને તેમની પાસેથી રૂ. 22.75 લાખ રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા સફળ થઈ હોવાનું દર્શાવવા માટે આરોપીઓએ ફરિયાદીને એડમિશનના બોગસ અને બનાવટી દસ્તાવેજો (Fake Admission Documents) બનાવીને મોકલી આપ્યા હતા.
સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
ફરિયાદીને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શંકા જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોતાની સાથે મોટી રકમની ઠગાઈ થઈ હોવાનું જણાતાં તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગોપાલ ભારદ્વાજ અને પંકજ રાજપૂત નામના શખ્સો સામે છેતરપિંડી અને સાયબર ફ્રોડનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Ahmedabad News : કોંગ્રેસમાં 53 વર્ષ સુધી સેવા આપનાર દીપક બાબરિયાનું અવસાન, રાજકીય બેડામાં શોકનું મોજું
