અમદાવાદ શહેરમાં નવરાત્રિ અને દશેરાના પવિત્ર તહેવારો દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને નાગરિકો તેમજ ખેલૈયાઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર 11 ઑક્ટોબરથી લઈને 21 ઑક્ટોબર સુધી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ અમલી બનાવવામાં આવ્યો છે.
સવારે 8 થી રાત્રે 2 વાગ્યા સુધી નો-એન્ટ્રી
પોલીસ કમિશનરના આદેશ મુજબ, 11 થી 21 ઑક્ટોબર દરમિયાન દરરોજ સવારે 8:00 વાગ્યાથી લઈને રાત્રે 2:00 વાગ્યા સુધી શહેરના સીમાડો અને મુખ્ય માર્ગો પરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી 33 થી વધુ પેસેન્જર ક્ષમતા ધરાવતા વાહનોની અવરજવર પર પણ રોક લગાવવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસો અને દશેરાના દિવસે ગરબા સ્થળો અને બજારોમાં લોકોની ભારે ભીડ રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.
સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસનો નિર્ણય
અમદાવાદ શહેરમાં તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ટ્રાફિક પોઈન્ટ્સ પર ખાસ તૈનાત રહેશે. અમદાવાદ પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ ટ્રાફિક જાહેરનામા અને નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો કે ટ્રાન્સપોર્ટરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના નાગરિકોને પણ તહેવારો દરમિયાન આ ટ્રાફિક વ્યવસ્થામાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Navaratriમાં ગુજરાત પોલીસ રહેશે ફૂલ એક્ટિવ, મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે 22 હજારથી વધુ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત!
