સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રિના ઉત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, નવરાત્રિ પર્વના પૂર્વસંધ્યાએ શહેરના તમામ મોટા ગરબા આયોજકો અને સંચાલકો સાથે સુરક્ષા અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડ્સ ખાતે સીસીટીવી (CCTV) કેમેરાનું નેટવર્ક, ખાનગી બાઉન્સર્સ/સિક્યોરિટી સ્ટાફની તૈનાતી અને ઈમરજન્સી સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી સૂચનાઓ આપવામાં આવી છે.
દીકરીઓની સુરક્ષા માટે તમામ પોલીસ એજન્સીઓ ખડેપગે
પોલીસ કમિશનરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરબા ઉત્સવ દરમિયાન ખેલૈયાઓ અને ખાસ કરીને દીકરીઓની સુરક્ષા વડોદરા પોલીસની સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. આ માટે શી- ટીમ (She Team), ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી (SOG) અને સ્થાનિક પોલીસની વિવિધ એજન્સીઓને સાદા ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડ પર તથા આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. રોમિયોગીરી કે છેડતી કરનાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફાયર એક્ઝિટ અને નગરજનોને આયોજકોની અપીલ
ગરબા સ્થળો પર ઈમરજન્સી વખતે સલામત બહાર નીકળવા માટે કાયદેસરના ફાયર એક્ઝિટ પ્લાન તેમજ રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ટ્રાફિક ડાઈવર્ઝન અને પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રિ દરમિયાન કડક પોલીસ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ ચાલુ રહેશે. અંતમાં, પોલીસ કમિશનરે તમામ વડોદરાવાસીઓ અને નગરજનોને કાયદાનું પાલન કરી શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં નોરતાની ઉજવણી કરવા ખાસ અપીલ કરી છે.
