Aligarh: 8 વર્ષ બાદ AMUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી, 5 નવેમ્બરે મતદાન; વિરોધ પ્રદર્શનનો અંત

📅 Published: October 10, 2026 | 📂 Category: India National

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં 8 વર્ષના લાંબા અંતરાલ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે. યુનિવર્સિટી પ્રશાસને 5 નવેમ્બર, 2026ના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. એ જ દિવસે સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ચૂંટણીની માંગ સાથે 20 દિવસથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પ્રશાસન વચ્ચે થયેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રોક્ટર બદલવાની માંગ પણ સ્વીકારાઈ

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની બીજી મુખ્ય માંગ સ્વીકારીને યુનિવર્સિટીએ પ્રોક્ટર પ્રોફેસર મોહમ્મદ નવીદ ખાનને પદ પરથી દૂર કર્યા છે. તેમના સ્થાને રાજનીતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર નફીસ અહમદ અન્સારીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત અને પ્રોક્ટરને દૂર કરવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડ્યા, વિજય સરઘસ કાઢ્યાં અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

21 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આંદોલન સમાપ્ત

વિદ્યાર્થીઓના નેતાઓએ જણાવ્યું કે ચૂંટણીની જાહેરાત થતાં તેમણે 21 સપ્ટેમ્બરથી ચાલી રહેલું વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા એમ.એ.ના વિદ્યાર્થી યાસિર ફહાદે પણ ઉપવાસ તોડ્યો હતો. વિદ્યાર્થીઓની માંગ અંગે કોઈ ખાતરી ન મળતાં યુનિવર્સિટી પરિસરમાં વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. એ જ દિવસે યાસિર ફહાદે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે અન્ય વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાયા હતા. પૂર્વ વિદ્યાર્થીઓએ પણ વિરોધને સમર્થન આપવા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

કુલપતિએ જ્યુસ આપીને ઉપવાસ છોડાવ્યો

વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે નિર્ણયની જાહેરાત બાદ કુલપતિ પ્રોફેસર નઈમા ખાતૂન પોતે વિરોધ સ્થળે પહોંચ્યાં હતાં. તેમણે યાસિર ફહાદને એક ગ્લાસ જ્યુસ આપીને તેમનો ઉપવાસ પૂર્ણ કરાવ્યો હતો. વિદ્યાર્થી સંઘના વર્તમાન સચિવ હુઝૈફા આમિર રશાદીએ પણ ચૂંટણી યોજવાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે આ જાહેરાતને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જીત ગણાવી હતી.

ચૂંટણી અધિકારીઓની નિમણૂક

યુનિવર્સિટીની જાહેરાત મુજબ, કાયદા વિભાગના પ્રોફેસર જાવેદ તાલિબને એએમયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મહિલા મહાવિદ્યાલયના અંગ્રેજી વિભાગનાં પ્રોફેસર નાઝિયા હસનને મહિલા મહાવિદ્યાલયના સ્નાતક વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. એએમયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો 29 ઓક્ટોબરે વિદ્યાર્થી સંઘની કચેરીમાં ભરવાના રહેશે.  

આ પણ વાંચો     :    Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને…Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *