Valsad : કપરાડા અને ધરમપુરના દુર્ગમ વિસ્તાર માટે 1331 કરોડની દમણગંગા લિફ્ટ ઇરિગેશન યોજના મંજૂર

📅 Published: October 10, 2026 | 📂 Category: Valsad

દ.ગુજરાતના વલસાડ જિલ્લાના દુર્ગમ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા ધરમપુર અને કપરાડા તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં ખેતી માટેના પાણીની અછત દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. 1331.30 કરોડની દમણગંગા લિફ્ટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી આપી છે. આ યોજનાના અમલીકરણ માટે ઝડપથી કામ આગળ વધી રહ્યું છે.

દમણગંગા લિફ્ટ ઇરિગેશન યોજના હેઠળ મધુબન જળાશયમાંથી ઉપલબ્ધ વધારાનું પાણી ઉપાડી પડકારજનક અને પહાડી વિસ્તાર સુધી પમ્પિંગ કરીને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના 17,000 હેક્ટર ખેતીલાયક વિસ્તારને સિંચાઇનો લાભ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં ચોમાસા સિવાયના દિવસોમાં પાણીની અછતને કારણે કપરાડા ઉપરાંત ધરમપુર તાલુકાના ખેડૂતો ઘણા લાંબા સમયથી ભારે મુશ્કેલી અનુભવતા હોય છે. દ. ગુજરાતના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણ આધારિત કેનાલ સિસ્ટમનો લાભ મળે છે. જ્યારે પૂર્વના આદિજાતિ વિસ્તારો મધુબન ડેમની કેનાલ વિતરણ વ્યવસ્થાની સરખામણીએ નોંધપાત્ર ઊંચાઇ પર આવેલા છે. પરિણામે આ વિસ્તારના ખેડૂતો પરંપરાગત રીતે ઘટતા ભૂગર્ભજળ પર નિર્ભર રહ્યા છે. આ ભૌગોલિક અસમાનતાને દૂર કરવા માટે રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વ્યાપક શક્યતા અને એન્જિનિયરિંગ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સલાહકારોએ વિવિધ રૂટ વિકલ્પોનું મૂલ્યાંકન કર્યા બાદ વિકલ્પ-3ને શ્રેષ્ઠ રૂટ તરીકે પસંદ કર્યો હતો. અંતિમ પાઇપલાઇન નેટવર્કમાં આશરે 53 કિ.મી. લાંબી મુખ્ય ટ્રંક લાઇન ઉપરાંત 188 કિ.મી.થી વધુની શાખા અને ફીડર લાઇનોનો સમાવેશ થશે. આ રૂટમાં ઊંચાઇમાં નોંધપાત્ર તફાવતને પાર કરવાનો રહેશે. જેમાં સમુદ્ર સપાટીથી 65 મીટરથી 382 મીટર સુધીની ઊંચાઇનો સમાવેશ થાય છે. યોજના હેઠળ મુખ્ય પમ્પિંગ સ્ટેશન-1 (પીએસ-1) મધુબન ડેમ નજીક ફતેહપુરા ગામ પાસેની સરકારી જમીન પર બનાવવામાં આવશે. અહીંથી પાણીને બે મધ્યવર્તી પમ્પિંગ સ્ટેશનો બુરવડ ખાતે પીએસ-2 અને કિસ્તોનિયા નજીક પીએસ-3 દ્વારા ઉપાડવામાં આવશે. આ સમગ્ર પમ્પિંગ સિસ્ટમની સંયુક્ત ક્ષમતા 56,400 કિલોવોટ (75,600 હોર્સપાવર) રહેશે. કપરાડા ગામ નજીક ઊંચાઇવાળા વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવનાર બ્રેક પ્રેશર ટેન્ક્સ વધારાના સ્ટેટિક હેડને ઘટાડશે અને ત્યારબાદ પાણીને શાખા નેટવર્ક મારફતે ગુરુત્વાકર્ષણના આધારે ધરમપુર તરફ વહેવા સક્ષમ બનાવશે. આ યોજના કુલ 500 ક્યુસેક પાણીની ક્ષમતા સાથે કાર્ય કરશે તેમ સરકારે જણાવ્યું હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *