ડભોઇ એક તરફ્ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસના મોટા દાવાઓ કરાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ્ ડભોઇ તાલુકાના મુખ્ય સ્ટેટ હાઇવે પરની બે મુખ્ય ચોકડી પર લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સોલાર લાઈટો ઘણાં સમયથી બંધ હાલતમાં હોવાથી સમગ્ર વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયો છે.
માર્ગ અને મકાન વિભાગ તેમજ હાઇવે તંત્રના પાપે રોજિંદા હજારો વાહનચાલકો અને સ્થાનિક મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ડભોઇથી વાઘોડિયા અને વડોદરા તરફ્ જોડતી મુખ્ય તરસાણા ચોકડી તેમજ ડભોઇથી છોટાઉદેપુર અને બોડેલી તરફ્ જતા હાઇવે પર આવેલ ટીંબી ફાટક ચોકડી પર મુસાફરોની સતત અવરજવર રહે છે.
આ બંને જંકશન ડભોઇ પંથકના ટ્રાફ્કિની દ્રષ્ટિએ કરોડરજ્જુ સમાન છે. છતાં, આ મુખ્ય ચોકડીઓ પર મુકાયેલી તમામ સોલાર લાઈટો સંપૂર્ણપણે બંધ પડી હોવાથી રાત્રિના સમયે રસ્તાઓ પર સન્નાટો અને અંધકાર છવાય છે. રાત્રિ દરમિયાન વડોદરા કે અન્ય સ્થળેથી કામ-ધંધો પતાવીને પરત ફરતા નોકરિયાતો, શ્રમિકો અને મુસાફરો માટે આ ચોકડીઓ પર બસ કે ખાનગી વાહનમાંથી નીચે ઊતરવું પણ જોખમી બન્યું છે. ચોકડીઓ પર પૂરતી લાઈટ ન હોવાથી અકસ્માતની શક્યતા વધી છે. સાથે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો દ્વારા લૂંટ કે, ચોરી જેવી ઘટના બને તેવી દહેશત પણ લોકોમાં સેવાય છે. મહિલા મુસાફરો માટે અંધારામાં વાહનની રાહ જોવી અત્યંત અસુરક્ષિત સાબિત થઈ રહી છે.? હાઇવે ઓથોરિટી અને સંબંધિત અધિકારીઓની ઉદાસીનતાને કારણે આટલા મહત્વના માર્ગો પર અંધારપટ છવાયેલો રહેતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળે છે.
પ્રજાના ટેક્સના નાણાંમાંથી લગાવેલી સોલાર સિસ્ટમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બંને ચોકડીએ સોલાર લાઈટોનું સમારકામ હાથ ધરાય.
