ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી ખાતે શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે ભાદરવા મહિનાના અંતિમ દિવસે અમાસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. સર્વપિતૃ અમાસ અને શનિવારના સંયોગને કારણે ભગવાન કુબેર ભંડારીનાં દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઊમટી પડતાં મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.
અમાસના દિવસે કુબેરદાદાનાં દર્શનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે કરનાળી પહોંચ્યા હતા. ભક્તોની ભારે ભીડને પગલે ભગવાનનાં દર્શન કરવા માટે અંદાજે પાંચ કલાક સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડયું હતું. ગત રાત્રે 12 વાગ્યે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કુબેરદાદાના મંદિરનાં કપાટ ખોલ્યાં હતાં. ત્યારબાદ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
અમાસના પવિત્ર દિવસે લાખોની સંખ્યામાં ભક્તો કુબેર ભંડારીનાં દર્શન કરવા આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને સરળતાથી અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરાઇ હતી. આવતીકાલથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થવાનો હોવાથી ધાર્મિક માહોલ વચ્ચે કરનાળી યાત્રાધામમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળે છે.
