Surat: રવિવારની રજા આપવા એસોસિએશન રાજી; પણ નિયમો પાળવા પડશે, એમ્બ્રોઇડરી વિવાદ ઉકેલવા કારખાનેદારોની એકતાનો હુંકાર

📅 Published: October 11, 2026 | 📂 Category: Surat

ટેક્સટાઇલ નગરી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી એમ્બ્રોઇડરી કારખાનેદારો અને શ્રમિકો વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અને વ્યવહારુ ઉકેલ લાવવા માટે એમ્બ્રોઇડરી માલિકોની એક ઐતિહાસિક મહાસભા યોજાઈ હતી. TEJAS ના નેજા હેઠળ આયોજિત આ ભવ્ય ‘મહામંથન’ કાર્યક્રમમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 20,000 જેટલા નાના-મોટા કારખાનેદારો એકત્રિત થયા હતા. આ સંમેલનમાં માલિકોએ એકતાનું પ્રદર્શન કરવાની સાથે કારીગરો સાથેના વિવાદને પૂર્ણવિરામ આપવા માટે બે સ્પષ્ટ વિકલ્પો રજૂ કર્યા છે.

કાયદાકીય માળખું કે પરંપરાગત પદ્ધતિ

મહાસભા દરમિયાન કારખાનેદારો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે કારીગરો પોતાની અનુકૂળતા મુજબ નીચેના બેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકે છે. શ્રમ કાયદા (લેબર લો) મુજબ નિયત કલાકો, હાજરી પત્રક, ઓવરટાઇમના નિયમો અને તમામ સરકારી જોગવાઈઓનું અક્ષરશઃ પાલન કરીને કામ કરવું.સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વર્ષોથી જે પરંપરાગત મીટર દીઠ કે જોબવર્ક આધારિત પદ્ધતિ ચાલે છે તે જ સિસ્ટમ મુજબ કામ ચાલુ રાખવું.

રવિવારની રજા આપવા એસોસિએશન તૈયાર

કારીગરો દ્વારા ઉઠાવવામાં આવેલી રવિવારની સાપ્તાહિક રજાની માંગણી મુદ્દે પણ મહામંથનમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.કારખાનેદારો અને એસોસિએશન કારીગરોને દર રવિવારે રજા આપવા માટે સંપૂર્ણપણે સંમત થયા છે.જોકે, એસોસિએશને સ્પષ્ટ શરત મૂકી છે કે રવિવારની રજા સાથે સંકળાયેલા તમામ વહીવટી નિયમો અને ઉત્પાદન શિસ્તનું પાલન કરવું દરેક કારીગર માટે અનિવાર્ય રહેશે.કોઈપણ પ્રકારની ગેરશિસ્ત કે નિયમોના ઉલ્લંઘનને હવે સહન કરવામાં નહીં આવે તેવો સૂર પણ વ્યક્ત થયો હતો.

20 હજાર કારખાનેદારોની એકતાથી વિવાદ ઉકેલાવાની આશા

કામદાર-માલિક વચ્ચેના અણબનાવને કારણે સુરતના અબજો રૂપિયાના એમ્બ્રોઇડરી ઉદ્યોગના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડી રહી હતી.તહેવારોની સિઝનમાં સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સના જોબવર્ક અટકી ન પડે તે માટે આ મહાસભા અત્યંત નિર્ણાયક સાબિત થશે.કારખાનેદારોએ દર્શાવેલી એકતા અને મુકેલા વ્યવહારુ વિકલ્પો બાદ હવે કામદાર સંગઠનો અને કારીગરો શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર કાપડ બજારની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: Chotila: આસો નવરાત્રિના પ્રથમ નોરતે જ ઉમટ્યું ભક્તોનું મહેરામણ, ‘જય માતાજી’ના નાદથી ગુંજી ઊઠ્યો માં ચામુંડાનો દરબાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *