રાજકોટના નાનામવા રોડથી સાગર ચોક તરફ જતા માર્ગ પર રૂ.11 લાખની લૂંટ થયાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મામાએ આપેલા રૂ.40 લાખની ઉઘરાણીથી બચવા માટે ભાણેજે પોતાના મિત્રો સાથે મળી લૂંટનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. જે ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદી બની 3 શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હરદેવસિંહ ઝાલાને ધીરેન્દ્રસિંહ વાઘેલા પાસેથી રૂ. 40 લાખ લેવાના હતા. ધીરેન્દ્રસિંહે તેમને રૂ. 11 લાખ આપવાની વાત કરતાં હરદેવસિંહ પોતાના બાઇક પર તેમને સાથે લઈને નીકળ્યા હતા. બંને મોટામવા ખાતે રહેતી હરદેવસિંહની સાળીના ઘરે જવા રવાના થયા હતા. આ દરમિયાન નાનામવા રોડથી સાગર ચોક તરફ જતા માર્ગ પર નંબર પ્લેટ વગરના બાઇક પર આવેલા બે શખ્સોએ હરદેવસિંહના બાઇકને લાત મારી હતી. પાછળ બેઠેલા ધીરેન્દ્રસિંહે ‘મામા, જાય છે, મામા જાય છે’ કહી બાઇક પાછળ જવા જણાવ્યું હતું. જોકે, બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ 112 પર ફોન કરીને લૂંટ થયાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની તપાસ દરમિયાન ધીરેન્દ્રસિંહની પૂછપરછ કરતાં તેમના જવાબોમાં શંકા જણાઈ હતી. વધુ પૂછપરછમાં તેમણે કબૂલી લીધું હતું કે હરદેવસિંહ પાસેથી લીધેલા રૂ.40 લાખ પરત આપવાની સગવડ ન હોવાથી લૂંટનું નાટક રચ્યું હતું. આ માટે તેમણે પોતાના ઓળખીતા ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવાનો સંપર્ક કરી બોગસ લૂંટની યોજના બનાવી હતી. બેગમાં પૈસા હોવાનો ભાસ ઊભો કરી રસ્તામાં મિત્રોને બેગ સોંપી દેવાની અને ત્યારબાદ લૂંટ થઈ હોવાની ખોટી સ્ટોરી ઘડી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે પોલીસે આ સમગ્ર મામલે ધીરેન્દ્રસિંહ વાઘેલા, ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવા સામે છેતરપિંડી, ખોટી માહિતી આપવા અને ગુનાહિત કાવતરું રચવા સહિતના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરી છે.
રાજકોટમાં રૂ.11 લાખની લૂંટ બોગસ નિકળી:નાનામવા રોડ પર બાઇકને લાત મારી લૂંટની ઘટનામાં નવો વણાંક, ભાણેજે મામાને પૈસા ન આપવા પડે માટે ખાલી થેલાની લૂંટની સ્ટોરી ઘડી
📅 Published: October 11, 2026 |
📂 Category: gujarati-news
