પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વામાં ઇમરાનની પાર્ટીની સરકાર બરતરફ:ઇમરજન્સી લાગુ; પૂર્વ વડાપ્રધાનની મુક્તિ માટે રાજ્યના CM માર્ચ યોજી રહ્યા હતા

📅 Published: October 11, 2026 | 📂 Category: International

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારે રવિવારે ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં ઈમરજન્સી લાગુ કરીને સરકારને બરતરફ કરી દીધી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેની જાહેરાત કરી. અહીં ઈમરાન ખાનની પાર્ટી PTIની સરકાર છે. ખૈબર-પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ અફરીદી ભૂતપૂર્વ વડાપ્રધાનની મુક્તિની માંગને લઈને સમર્થકો સાથે 4 ઑક્ટોબરથી ઈસ્લામાબાદ તરફ માર્ચ કરી રહ્યા હતા. હવે તેમને પોતાનું પદ છોડવું પડશે. શહબાઝ સરકારનો આરોપ છે કે PTI સરકાર પ્રાંતમાં આતંકવાદ સામેની લડાઈમાં જાણીજોઈને સહયોગ કરી રહી નથી. પાકિસ્તાન સરકાર આતંકવાદને સહન કરશે નહીં. PTIએ કહ્યું- નિર્ણયથી હિંસા વધી શકે છે ઇમરજન્સી લાગુ કરવાનો નિર્ણય વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી કટોકટી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો. બેઠકમાં પ્રાંતની સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા થઈ. સરકારે બંધારણની કલમ 232 અને 234 હેઠળ ઇમરજન્સી અને ગવર્નર શાસન લાગુ કરવાનો નિર્ણય કર્યો. જોકે, પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી PTIએ આ પગલાનો વિરોધ કર્યો છે. પાર્ટીના અધ્યક્ષ ગૌહર અલી ખાને તેને લોકશાહી-વિરોધી ગણાવતા કહ્યું કે પ્રાંતના અધિકારો નબળા કરીને શાંતિ અને સ્થિરતા લાવી શકાય નહીં. ઇમરાન ખાનના નજીકના સહયોગી અને PTIના પ્રવક્તા ઝુલ્ફિકાર બુખારીએ આ નિર્ણયને ‘હાસ્યાસ્પદ’ ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે ખૈબર પખ્તૂનખ્વા પાકિસ્તાનની એકમાત્ર કાયદેસર રીતે ચૂંટાયેલી સરકાર છે. બુખારીએ કહ્યું કે આ નિર્ણયથી હિંસા, અસ્થિરતા અને સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. તેમણે કહ્યું કે વાતચીત દ્વારા વિવાદ ઉકેલવાનો માર્ગ ખુલ્લો હતો. તેમના મુજબ, સરકારના આ પગલાથી લાગે છે કે તે વાતચીત કરવા જ ઇચ્છતી નહોતી. આ પહેલાં ઈમરાન ખાનના સમર્થકોના પ્રદર્શનો ઘણી વખત હિંસક બની ચૂક્યા છે. 2024માં થયેલા પ્રદર્શનો દરમિયાન સુરક્ષાકર્મીઓ અને સામાન્ય નાગરિકોના પણ મોત થયા હતા. ઈમરજન્સી અને ગવર્નર શાસનનો શું અર્થ છે? પાકિસ્તાનના બંધારણની કલમ 232 હેઠળ યુદ્ધ, બીજા દેશના હુમલા અથવા દેશની અંદર વણસેલી એવી પરિસ્થિતિમાં ઈમરજન્સી લાદી શકાય છે, જેને પ્રાંતીય સરકાર સંભાળી ન શકતી હોય. ઈમરજન્સી લાગુ કરવામાં આવે ત્યારે કેન્દ્ર સરકારને પ્રાંતના મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો અને કેટલાક મુદ્દાઓ પર કાયદા બનાવવાના વધુ અધિકારો મળી જાય છે. બીજી તરફ, કલમ 234 હેઠળ જ્યારે કોઈ પ્રાંતની સરકાર બંધારણ મુજબ કામ કરી શકતી નથી, ત્યારે ત્યાં ગવર્નર શાસન લાગુ કરી શકાય છે. તેના માટે રાષ્ટ્રપતિના નિર્ણયને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની મંજૂરી લેવી પડે છે. મંજૂરી ન મળવા પર ગવર્નર શાસન બે મહિના બાદ સમાપ્ત થઈ જાય છે. મંજૂરી મળ્યા પછી પણ તેને એક વખતમાં માત્ર બે મહિના માટે જ લંબાવી શકાય છે. આ વ્યવસ્થા કુલ છ મહિનાથી વધુ સમય સુધી ચાલી શકતી નથી. પાકિસ્તાન સરકારે આ નિર્ણયમાં કલમ 233નો ઉપયોગ કર્યો નથી. આ કલમ ઈમરજન્સી દરમિયાન નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારો પર રોક લગાવવા સાથે સંબંધિત છે. પીટીઆઈ અને સરકાર વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ રહી 73 વર્ષીય પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તેમના પર ભ્રષ્ટાચાર અને હિંસા ભડકાવવાના આરોપો સહિત 100થી વધુ કેસ ચાલી રહ્યા છે. લૉન્ગ માર્ચ PTI અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીતના બે તબક્કા નિષ્ફળ થયા બાદ શરૂ થયો હતો. પ્રદર્શન સમાપ્ત કરતાં પહેલાં ઇમરાન ખાનને મળવા દેવામાં આવે કે નહીં, આ મુદ્દે વાતચીત તૂટી ગઈ હતી. PTI પહેલાં ઇમરાન સાથે મુલાકાત ઇચ્છતી હતી, જ્યારે સરકારની શરત હતી કે પાર્ટી પહેલાં પ્રદર્શન સમાપ્ત કરે. કેન્દ્ર સરકારે અગાઉ જ ચેતવણી આપી હતી કે પ્રદર્શનકારીઓને ઇસ્લામાબાદમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. ત્યારબાદ રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી અને માર્ચના નિર્ધારિત માર્ગો પર શિપિંગ કન્ટેનર મૂકીને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા. હવે ઈમરજન્સી લાદીને PTI સરકારને જ બરતરફ કરી દેવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *