ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં હવે ગુનેગારો દ્વારા ગુનાખોરી આચરવા માટે અવનવી ટેક્નોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બુટલેગરો દ્વારા હવે સામાન્ય જનજીવનમાં ઉપયોગમાં લેવાતી ઓનલાઈન ડિલિવરી એપ પોર્ટરનો દુરૂપયોગ કરીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે આ રેકેટનોાં મુખ્ય સૂત્રધારો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, અને રૂપિયા 9 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.
કેવી રીતે ચાલતું હતું આ કૌભાંડ?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નેટવર્ક બહુ જ ચાલાકીથી ચલાવવામાં આવતું હતું. બુટલેગરો દ્વારા ઓનલાઈન પોર્ટર બુક કરાવવામાં આવતું હતું. પોર્ટરના વાહનમાં એક કે બે બોક્સ કપડાંના રાખવામાં આવતા હતા અને બાકીના બોક્સમાં વિદેશી દારૂની બોટલો છુપાવવામાં આવતી હતી. આ વાહનોમાં દારૂનો મોટો જથ્થો શહેરમાં વિવિધ સ્થળોએ સપ્લાય કરવામાં આવતો હતો.
પોલીસની શંકા ટાળવાની અનોખી તરકીબ
ગુનેગારો એટલા ચાલાક હતા કે, તેઓ રસ્તામાં પોલીસ ચેકિંગ થાય તો પણ પકડાઈ ન જાય તેની પૂરતી તકેદારી રાખતા હતા. તેઓ પોર્ટરના વાહનમાં અગાઉથી જ નિશાન કરેલા કપડાંના બોક્સ જ સાથે રાખતા જેથી જો પોલીસ વાહન ચેક કરે, તો પોલીસ સમક્ષ માત્ર કપડાંના બોક્સ ખોલીને બતાવી શકાય. આથી પોલીસને પણ એમ જ લાગતું કે વાહનમાં માત્ર કપડાં જ ભરેલા છે, અને બુટલેગરો સરળતાથી પોલીસની નજરથી બચીને દારૂની હેરાફેરી કરી શકતા હતા.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને કડક કાર્યવાહી
કૃષ્ણનગર પોલીસે આ મામલે નિશિત ઉર્ફે નિશુ શાહ, જય ઉર્ફે દાદુ પવાર અને કિશન શાહ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ હત્યાના ગંભીર કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેલવાસ દરમિયાન તેઓ રાજસ્થાનના ઓમપ્રકાશ બિશ્નોઈ નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ ગેરકાયદે દારૂના ધંધાની શરૂઆત કરી હતી. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 2000 થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે અને આ નેટવર્કના તાર ક્યાં-ક્યાં સુધી ફેલાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
