આદ્યશક્તિ માં અંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજના અર્વાચીન ગરબાઓ અને દાંડિયારાસના દોર વચ્ચે પણ પ્રાચીન ગરબીઓમાં બાળાઓ માં ની આરાધના કરી રહી છે. જૂનાગઢની આસોપાલવ સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા 25 વર્ષથી સતત અને સળંગ પરંપરાગત રીતે નવરાત્રી ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં અર્વાચીન દાંડિયારાસને બદલે માં જગદંબાની ભક્તિ અને આરાધના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આસોપાલવ સોસાયટીમાં રહેતા ગાયત્રીબેન જાનીએ જણાવ્યું હતું કે સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા 25 વર્ષથી ચાલતા આ પરંપરાગત આયોજનમાં મોટી સંખ્યામાં બાળાઓ ઉત્સાહભેર ભાગ લે છે. વાલીઓ પણ બાળાઓને અર્વાચીન દાંડિયારાસના બદલે માં જગદંબાની આરાધના અને ભક્તિના આ પર્વમાં જોડે છે. આ ઉત્સવમાં સોસાયટીના 160થી વધુ ઘરોના પરિવારજનો અને રહીશો એકતા સાથે જોડાયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના રહીશો છેલ્લા એક મહિનાથી સતત મહેનત કરી રહ્યા છે, જેમાં દીપમાલાબેન અને તેમની આખી ટીમ સક્રિય રીતે જોડાયેલી છે. ખેલૈયાઓ અને બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે નવરાત્રી દરમિયાન દરરોજ લાણી અને ઇનામોનું વિતરણ કરવામાં આવે છે, તેમજ નવરાત્રીના છેલ્લા દિવસે સવિશેષ ઇનામો આપવામાં આવશે. આ પ્રસંગે માં જગદંબા સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ અર્પે તેવી મનોકામના અને પ્રાર્થના કરવામાં આવી હતી.
આસોપાલવ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન:આજના અર્વાચીન ગરબાઓ વચ્ચે પણ જૂનાગઢમાં પ્રાચીન ગરબીની પરંપરા અકબંધ, 160થી વધુ પરિવારજનો અને બાળાઓ ભક્તિભાવપૂર્વક માં ની આરાધનામાં જોડાયા
📅 Published: October 11, 2026 |
📂 Category: gujarati-news
