Surat: પેરોલ પર છૂટી નાસતા ફરતા પાકા કામના કેદીને ભેસ્તાન ચાર રસ્તા પાસે ઘેરી લીધો

📅 Published: October 12, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં ગંભીર ગુનાઓમાં સજા કાપતા અને જેલમાંથી પેરોલ કે વચગાળાના જામીન પર મુક્ત થઈને નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હત્યા જેવા જઘન્ય અપરાધમાં નામદાર અદાલત દ્વારા આજીવન કેદની સજા પામેલો અને લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી નિયત સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયેલો પાકા કામનો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભેસ્તાન ચાર રસ્તા પાસેથી આરોપીને દબોચી લીધો છે.

ભેસ્તાન ચાર રસ્તા પાસેથી આરોપીની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થયેલો પાકા કામનો કેદી ભેસ્તાન વિસ્તારમાં છૂપાતો ફરી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ભેસ્તાન ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરી રહેલા શખ્સને કોર્ડન કરી અટકાયત કરવામાં આવી હતી.પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સની ઓળખ દીપક મંગા મારૂ તરીકે થઈ હતી. ચકાસણી કરતાં તે પેરોલ જમ્પ કરનાર વોન્ટેડ કેદી હોવાની પુષ્ટિ થઈ હતી.

વર્ષ 2008ના ચકચારી હત્યા કેસમાં થઈ હતી આજીવન કેદ

આરોપી દીપક મંગા મારૂનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર રહ્યો છે. વર્ષ 2008માં આરોપીએ અંગત અદાવત અને જૂની અંટાસ રાખીને સુરતના ચોકબજાર વિસ્તારમાં ગણેશ ઉર્ફે માંજરા નામના યુવક પર જાહેરમાં જીવલેણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હતી. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં કોર્ટમાં કેસ ચાલ્યા બાદ વર્ષ 2011માં નામદાર કોર્ટે આરોપી દીપક મારૂને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સખત કેદની સજા ફટકારી હતી. ત્યારથી તે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો.

પેરોલ પૂર્ણ થયા બાદ પણ જેલમાં હાજર થયો નહોતો

કેદી દીપક મારૂને નિયમ મુજબ જેલમાંથી હંગામી પેરોલ મંજૂર કરવામાં આવી હતી.આરોપી 25 એપ્રિલ 2026ના રોજ લાજપોર જેલમાંથી પેરોલ રજા પર મુક્ત થયો હતો.પેરોલની મુદત પૂર્ણ થતાં તેને 26 સપ્ટેમ્બર 2026ના રોજ પરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું.જોકે, નિયત તારીખે જેલમાં હાજર થવાને બદલે આરોપી પોલીસની આંખોમાં ધૂળ નાખીને નાસી છૂટ્યો હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી કાયદેસરની પ્રોટોકોલ મુજબ કાર્યવાહી પૂર્ણ કરી તેને ફરીથી લાજપોર મધ્યસ્થ જેલના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક મોટું પેમેન્ટ કૌભાંડ! સચિનના યાર્ન વેપારી સાથે ₹10.41 કરોડની ઠગાઈ આચરી કતારગામના પટેલ બંધુઓ ફરાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *