Ahmedabad News: પીરાણામાં ખુલ્લી ગટર લાઇનમાં ખાબકેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની 30 કલાકથી શોધખોળ ચાલુ

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ પછી હવે સુરતમાં પણ ખુલ્લી ગટરમાં 9 મહિનાની માસૂમ રમતાં રમતાં પડી જવાથી શ્રમિક પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે.બીજી તરફ અમદાવાદના નારોલથી શાસ્ત્રીબ્રિજ પાસે ગણેશનગરના છાપરા નજીક શનિવારે બપોરે આશરે 3 વાગ્યે ડ્રેનેજ લાઇનમાં પડી ગયેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીને શોધવા માટે 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે.આમ છતાં હજુ સુધી તેનો કોઈ જ પત્તો લાગ્યો નથી.અમદાવાદ ફાયર વિભાગ દ્વારા બાળકીની શોધખોળ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. 

ઘટનામાં તંત્રની બેદરકારી ઉજાગર થઈ છે

ફાયર વિભાગના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે,ડ્રેનેજ વિભાગ તરફથી હજુ સુધી લાઇનનો યોગ્ય નકશો પૂરો પાડવામાં આવ્યો નથી,જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ છે.મ્યુનિ.કોર્પોરેશનના હાઇટેક સાધનો હોવાના દાવા વચ્ચે ઘટનામાં તંત્રની બેદરકારી ઉજાગર થઈ છે.મ્યુનિ.એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા મુજબ,બાળકી જે લાઇનમાં પડી છે તે પૂર્વ અમદાવાદનું ગટરનું પાણી વહન કરતી મુખ્ય ડ્રેનેજ લાઇન છે.આ લાઇનનું પાણી એસટીપીમાં ટ્રીટમેન્ટ થયા બાદ નદીમાં છોડવામાં આવે છે.આથી, ફાયર ટીમ દ્વારા નદી અને આસપાસના તમામ પમ્પિંગ સ્ટેશનોમાં અંદાજે ત્રણ કિલોમીટર સુધી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 

કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે

ડ્રેનેજ લાઇનની અંદર કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે અને અંદર શ્વાસ લેવો પણ અશક્ય છે.આવી સ્થિતિમાં સામાન્ય રીતે 20 કલાકની અંદર મૃતદેહ બહાર આવી જતો હોય છે, પરંતુ લાંબો સમય વીતવા છતાં બાળકી ન મળતાં પરિવારજનોની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઘટના બની ત્યારે મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બાળકીની ભાળ ન મળે ત્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન અવિરત ચાલુ રાખવામાં આવશે.

નદીમાં વહી ગઈ હશે તો નદીપટના ગામડાંમાંથી મળી આવવાની શક્યતા

નરોડા-નારોલ વચ્ચેની મુખ્ય ટ્રંક લાઇન રોડથી આશરે 40 ફૂટ નીચે આવેલી છે.જેમાં ગટરનાં પાણી ભારે વેગથી ધસમસતાં વહે છે.આ લાઇન ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન મારફતે નદીમાં જાય છે.જો બાળકી આ લાઇન દ્વારા નદીમાં વહી ગઈ હશે,તો એક-બે દિવસમાં ધોળકા તરફનાં ગામડાંઓમાંથી તેની જાણકારી મળવાની શક્યતા છે.જો તે ગટર લાઇનમાં કે જાળી આગળ ફસાઈ હશે તો શોધકામ અત્યંત કપરું બનશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ઈ મેમો ના ભર્યો હોય તો ભરી દેજો, નિયમભંગ કરનારા સામે રાજ્યની તમામ RTO મેદાને


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *