Ahmedabad: MPના ચકચારી લેપા ભાડેસા હત્યાકાંડનો મુખ્ય આરોપી રામુ તોમર ઝડપાયો; ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી દબોચ્યો

📅 Published: October 12, 2026 | 📂 Category: Ahmedabad

મધ્યપ્રદેશના ચંબલ વિસ્તાર હેઠળ આવતા મોરેના જિલ્લાના ચકચારી ‘લેપા ભાડેસા હત્યાકાંડ’ કે જેમાં એક જ પરિવારના 6 સભ્યોને ધોળા દિવસે ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા, તે જઘન્ય નરસંહારના મુખ્ય વોન્ટેડ અને ₹30,000 ના ઇનામી આરોપી રામુ તોમરને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. આ હત્યાકાંડ બાદ 5 થી 6 રાજ્યોમાં ઓળખ છુપાવીને નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ઔદ્યોગિક વિસ્તારમાંથી દબોચી લીધો છે.

જમીન વિવાદ અને જૂની અદાવતમાં રચાયો હતો ખૂની ખેલ

આ લોહિયાળ હત્યાકાંડ પાછળ એક દાયકા જૂનો જમીન વિવાદ અને લોહીનો બદલો લેવાની વેરવૃત્તિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.ચંબલ પંથકમાં જમીનના ભાગલા અને માલિકી હક્ક મુદ્દે 2013માં થયેલી તકરારમાં આરોપી રામુ તોમરના બે કાકાઓની હત્યા કરી દેવામાં આવી હતી. કાકાઓની હત્યાનો બદલો લેવા માટે રામુ તોમર અને તેના પરિવારના 9 થી વધુ સભ્યોએ 10 વર્ષ સુધી રાહ જોઈ હતી. વર્ષ 2023માં સામેવાળા પરિવારના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે વેશપલટો કરી પાકી રેકી કર્યા બાદ અંધાધૂંધ ફાયરિંગ કરી એક જ પરિવારના 6 સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ઘટના સમયે આરોપી રામુ તોમર તેના સહ-આરોપી અજીત સાથે મળીને રાઈફલમાંથી ખુલ્લેઆમ ફાયરિંગ કરતો હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા.

હરિયાણાના વેરહાઉસમાં કરતો હતો નોકરી

આ હત્યાકાંડે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી.ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને મધ્યપ્રદેશ સરકારે રામુ તોમર પર ₹30,000 નું રોકડ ઇનામ જાહેર કર્યું હતું.આરોપી પોતાનો વિસ્તાર છોડીને ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત 5-6 રાજ્યોમાં છૂપાતો ફરતો હતો.છેલ્લે તે હરિયાણાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં સામાન્ય મજૂર તરીકે ઓળખ છુપાવીને નોકરી કરી રહ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું 2 મહિનાનું સફળ ઓપરેશન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીની હિલચાલ અંગે સચોટ બાતમી મળી હતી.ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમ છેલ્લા બે મહિનાથી આ ઓપરેશન પર ગુપ્ત રીતે કામ કરી રહી હતી.હરિયાણા ખાતે છાપો મારી રામુ તોમરને ઝડપી લેવામાં આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ પોતાને કુખ્યાત બાગી ‘પાન સિંહ તોમર’ ના વંશજો ગણાવતા હોવાનું સામે આવ્યું છે, જે અંગે પોલીસ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.આ સામૂહિક હત્યાકાંડમાં હજુ પણ 8 જેટલા આરોપીઓ ફરાર હોવાથી, ઝડપાયેલા રામુ તોમરને મધ્યપ્રદેશ SIT ને સોંપવાની કાનૂની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: Bhavnagar: સિહોરમાં સુરકા દરવાજા પાસે બારીમાંથી ગાંજો વેચવાનો કથિત વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ!



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *