અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી સબસિડીના દુરુપયોગ સામે અંકુશ મેળવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નારોલ વિસ્તારમાં આવેલી પીપળજ પીરાણા રોડ પર સ્થિત કાજલ ટેક્સટાઈલ્સ નામની મિલમાં પોલીસે ઓચિંતી રેડ પાડીને ખેડૂતો માટે અપાતા સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો મોટાપાયે ઔદ્યોગિક હેતુ માટે થતો ગેરકાયદે સંગ્રહ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન આ ગોડાઉનમાંથી ખેતીલાયક નીમ કોટેડ યુરિયા ખાતરની કુલ 119 ભરેલી બોરીઓ તેમજ 16 ખાલી થેલીઓ પણ મળી આવી હતી.
ખેતીલાયક ખાતરનો ઔદ્યોગિક ઉપયોગ થતો હતો
સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને પાકમાં પોષક તત્વો પૂરા પાડવા માટે સબસિડીના દરે યુરિયા પૂરું પાડવામાં આવે છે.પરંતુ આ સબસિડીયુક્ત સરકારી ખાતરનો જથ્થો કઈ રીતે ઔદ્યોગિક એકમમાં પહોંચ્યો અને તેનો વ્યાપારી ધોરણે ઉપયોગ કેમ કરવામાં આવતો હતો તે અંગે કોઈ જ અધિકૃત આધાર-પુરાવા કે મંજૂરીઓ મળી આવ્યા ન હતા.આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ખાતરના સેમ્પલ વધુ ચકાસણી અર્થે ગાંધીનગર સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.લેબ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે જપ્ત કરાયેલું આ ખાતર સંપૂર્ણપણે ખેતીલાયક અને સરકારી ધોરણો મુજબનું જ છે.
માલિક ઐયુબ સુરતી અને મેનેજર સામે ફરિયાદ
આ પ્રકરણમાં પ્રાથમિક તપાસ દરમિયાન કાજલ ટેક્સટાઈલ્સના માલિક ઐયુબ સુરતી અને મેનેજર જુબેર પાલીવાલાની સંડોવણી સામે આવી છે.ખેતીવાડી અધિકારી દ્વારા આ સમગ્ર ગેરરીતિ બદલ બંને જવાબદાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને સબસિડીવાળા ખાતરના આ ગેરકાયદે રેકેટ પાછળ અન્ય કોણ કોણ સંકળાયેલું છે અને આ જથ્થો કયા માધ્યમથી અહીં સુધી પહોંચ્યો હતો તે દિશામાં વધુ સઘન તપાસ શરૂ કરી છે.
