માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ:150 ફૂટ રીંગરોડ પર સાયકલ ટ્રેક, સર્વિસ રોડ પર વાહન પાર્ક નહીં કરી શકાય : ટ્રાફિક સમસ્યા – અકસ્માતથી મુક્તિ મળશે

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના રોડ પર સાયકલ ટ્રેક અને સર્વિસ રોડ પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવેલું છે. જેથી વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા અને અકસ્માતથી મુક્તિ મળશે. સાયકલ ચાલકોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. શહેરમાં માધાપર ચોકથી ગોંડલ રોડ ચોક સુધીના માર્ગ ઉપર સાયકલ ચાલકો માટે ખાસ સાયકલ ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સાયકલ ટ્રેક, સર્વિસ રોડ તથા ફૂટપાથ ઉપર અનધિકૃત અને બેફામ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિક વ્યવસ્થાને ગંભીર અસર થતી હતી અને અકસ્માતની શક્યતાઓ પણ વધી ગઈ હતી. આ સમસ્યાના નિવારણ માટે માધાપર ચોકડીથી
ગોંડલ રોડ ચોકડી સુધીના સાયકલ ટ્રેક, સર્વિસ રોડ તથા ફૂટપાથ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. હવેથી આ વિસ્તારમાં વાહનચાલકો પોતાના વાહનો સાયકલ ટ્રેક, સર્વિસ રોડ કે ફૂટપાથ પર પાર્ક કરી શકશે નહીં. જો કોઈ વાહનચાલક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે નિયમાનુસાર કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરના આ આદેશમાંથી ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ મોટર વાહન અધિનિયમની જોગવાઈઓ અને કલમ-182, કલમ-183 તેમજ કલમ-184 હેઠળ કાયદેસરની દંડાત્મક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *